ek var - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક વાર કાગડો

કાળા રંગમાં ભીંજાણો,

પછી એવો તો ખીજાણો

કે ત્યારથી કરે છે કા...કા. કા...કા...

એક વાર પોપટ

લીલા ખેતરમાં આળોટ્યો,

પછી એવો તો હરખાયો

કે ત્યારથી બોલે છે મી...ઠુ...મી...ઠુ...

એક વાર કોયલ

વસંત ઋતુમાં જન્મી,

પછી એવી તો ખીલી

કે ત્યારથી ગૂંજે છે કુ...હૂ. કુ...હૂ...

એક વાર કાબર

સૂકા ઝડિયામાં ભરાણી,

પછી એવી તો ઘવાણી

કે ત્યારથી બોલ્યા કરે ચીબરિક...ચીબરિક...

એક વાર ખિસકોલી

ઉંદરના દરમાં ઘૂસી ગઈ,

પછી એવી તો બો ગઈ

કે ત્યારથી કર્યા કરે ટુરુક ટુરુક... ટુરુક ટુરુક...

સ્રોત

  • પુસ્તક : ધમાચકડી (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : નીતા રામૈયા
  • પ્રકાશક : કિશોરીલાલ રામૈયા
  • વર્ષ : 1986