ચાલો, રમીએ છુપ્પાછુપ્પી
chalo ramiye chhupachhupi
રેખા ભટ્ટ
Rekha Bhatt

ચાલો, રમીએ છુપ્પાછુપ્પી,
આવો, રમીએ છુપ્પાછુપ્પી...
સૂરજ છુપાય વાદળમાં,
વાદળ હટે સૂરજ દેખાય!
લો, સૂરજનો થપ્પો...
ચાલો, રમીએ છુપ્પાછુપ્પી.
ચાંદ છુપાય સાગરમાં,
ઊંચે જુઓ તો ચાંદ દેખાય,
લો, ચાંદાનો થપ્પો...
ચાલો, રમીએ છુપ્પાછુપ્પી.
તારા છુપાય ઉજાસમાં,
અંધારે એ ટમટમ થાય,
લો, તારાનો થપ્પો...
ચાલો, રમીએ છુપ્પાછુપ્પી.
પંખી છુપાય માળામાં,
સવાર પડતાં ગીતો ગાય,
લો, પંખીનો થપ્પો,
ચાલો, રમીએ છુપ્પાછુપ્પી.
બબુ છુપાય ખોળામાં,
પાલવ હટે બબુ હરખાય,
લો, બબુનો થપ્પો...
ચાલો, રમીએ છુપ્પાછુપ્પી,
આવો, રમીએ છુપ્પાછુપ્પી.



સ્રોત
- પુસ્તક : ઝગમગ ઝગમગ તારા (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : રેખા ભટ્ટ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2024