kashino panDit - Children Poem | RekhtaGujarati

કાશીનો પંડિત

kashino panDit

રમણલાલ સોની રમણલાલ સોની
કાશીનો પંડિત
રમણલાલ સોની

પ્રાણિયા ગોરનો સોમલો પેલો પંડિત થઈને આવ્યો,

બાર વરસ કાશીમાં રહીને પદવી લાંબી લાવ્યો!

પ્રાણદત્ત–સુત સોમદત્ત હું ધર્મશાસ્ત્ર–માર્તંડ,

તર્કમણિ ને કાવ્યતીર્થ હું વેદમૂર્તિ અખંડ!

સંસ્કૃતમય ભાષા બોલે, અલંકાર–સમૃદ્ધ,

જાગ્યો એવું નહિ બોલે એ, બોલે ‘અહં પ્રબુદ્ધ!’

પાણીને કહે જલ, વાસણને પાત્ર, દૂધને દુગ્ધ,

ઘીને ઘૃત, સાકરને શર્કરા, સાંભળનારા મુગ્ધ!

માથે ચકરી પાઘડી મૂકે, ખભે રેશમી ખેસ,

ચાખડીઓ પગમાં, ને બંડી! પંડિતનો વેશ!

તમે ‘મજામાં’ બોલો તો પંડિતજી કહેશે ‘કુશલ’,

તમે કહો સાંબેલું તો પંડિતજી કહેશે ‘મુશલ!’

તમે કહો સાઇકલ તો પંડિત દ્વિચક્રી કહેવાના,

તમે કહો રેલ્વે તો પંડિત અગ્નિરથ કહેવાના!

આગબોટને અગ્નિપોત, ને ’પ્લેનને વાયુયાન,

સાહેબને ગૌરાંગ કહે, ઑફિસને કર્મસ્થાન!

એક સમે પંડિત જતા’તા ગામ, વાટમાં ભૂલ્યા,

કોઈ અભણ નારીના ઘરની સામે આવી પૂગ્યા!

થાક ભૂખ લાગ્યાં’તાં ભારે, તરસે જાતા પ્રાણ,

કહે બાઈને: ‘અત્ર પ્રાપ્ય છે અન્ન અને જલપાન?’

આંખો ફાડી બાઈ જોઈ રહી કોણ હશે પ્રાણી?

વેશ એનો માણસનો દેખું, બોલી નહિ વરતાણી!

તોયે કહે: હે ભાઈ અજાણ્યા, બેસ, જરી પી પાણી,

પંડિત કહે: ‘નહિ પાણી, જલ! –છે ભ્રષ્ટા તારી વાણી!’

બાઈ બીજું ના સમજી, સમજી ‘નહિ પાણી’ બે બોલ,

તે બોલી: ‘તો દૂધ પીઓ જરી નાખી સાકર ગોળ!’

પંડિત બોલ્યો: ‘નહિ દૂધ, રે દુગ્ઘ કહો! નહિ સાકર–

કહો શર્કરા!–દુગ્ધશર્કરા! અહો મધુરસ–આકર!’

‘નહિ દૂધ, નહિ સાકર!’ એટલું સમજી બાઈ બીચારી,

એને થયું: ‘આ બાપડાને કંઈ લાગુ પડી બીમારી!’

તે બોલી: ‘કંઈ દવા દારૂ જોઈએ તો કહેજો, ભાઈ,

ભૂતને યે ખંખેરી કાઢે એવો મારો જમાઈ!’

‘જમાઈ જમાઈ કિમ્ બોલો, નારી, જમાઈ નહિ, જમાતા!

સ્વયં શુદ્ધ અભિધાનહીન તે નહિ જ્ઞાતા, નહિ ત્રાતા!’

બાઈ સાંભળી ગુસ્સે થઈ ગઈ: ‘પીટ્યા, ગાળો દે છે?

‘જીવતાંજાગતા જમાઈને તું ‘જમાઈ નહિ’ એમ કહે છે?’

‘દોડજે એલા જમાઈ, પીટ્યો અપલખણો કોઈ આયો,

સમજ પડે નહિ એવી મૂઓ મોંમાં ગાળો લાયો!’

ડંગોરો લઈ જમાઈ દોડ્યો, પંડિતને માંડ્યો ધોવા!

ભૂલી શુદ્ધ ભાષા પંડીતે પ્રાકૃતમાં માંડ્યું રોવા!

‘મરી ગયો રે બાપલા, હુંને શું કરવાને મારો,

પ્રાણિયા ગોરનો સોમલો હું તો, ભઈલા, મને ઉગારો!’

‘પ્રાણિયા ગોરનો સોમલો, લ્યા, તું?’ પંડિત કહે: ‘હા, માડી!’

‘ગોર તો બાપડું ભલું આદમી, તું તો પૂરું અનાડી!’

‘મોં માં ગાળો ભરીને આયો, બામણ થઈને રોયા,

તારા જોવા બેશરમા મેં દુનિયામાં નહિ જોયા!’

પંડિત કહે: ‘મેં કાશી જઈને વિદ્યા-પ્રાપ્તિ કીધી,

તીર્થ-મણિ-માર્તંડ એવી તો ઉપાધિઓ કંઈ લીધી!’

‘પાછી દેવા માંડી ગળો!’ ખિજાઈ બોલી બાઈ,

‘માર વિના પડી ટેવ ટળે નહીં!’ બાઈનો કહે જમાઈ!

બાઈ–કહે: ‘તો માર, કરી દે ડાહ્યો, ઈનામ આપું,

દૂધ–સાકરનો શીરો કરી ખવડાવું કહું છું સાચું!’

સોમદત્ત કહે: ‘ઘણું થયું, બાઈ, હવે જવા દો ઘેર,

પાડ તમારો કદી ભૂલું, કરો એટલી મહેર!’

બાઈ નરમ થઈ, કિંતુ એનો જમાઈ આડો ફરિયો,

‘નહિ જાવા દઉં, શીરો મારો તેં તો ખોટો કરિયો!’

સોમદત્ત કહે: ‘વાંક મારો, ભણ્યો હું કાશીમંહિ,

ઊંચી જાતની બોલી શીખ્યો, તમે સમજો કંઈ!’

જમાઈ કહે: ‘તું ભણ્યો કાશીમાં તે શું ભણિયો કાંદા!

તારી બોલીમાં તો, બામણ, ખાટા દહીંના ફાંદા!’

‘જે બોલી હું ના સમજું તે કાં શાસ્તર, કાં ગાળો,

મને ગમે નહિ, સાચું કહું, માણસનો એવો ચાળો!

માટે બોલે તો સૌ સમજે એવું બોલજે, ભૈયા,

નહિ તો કોક દિ ભટકાઈ મરશે ક્યાંક તું, ગોરના છૈયા!’

‘સમજ્યો વાત તમારી, સમજ્યો મારી ક્યાં થઈ ભૂલ,

હવે કહો કરવાં શી પેરે ભૂખતરસને ડૂલ!’

હસી બાઈ કહે : ‘હવે તમે બહુ ડાહ્યું ડાહ્યું બોલ્યા,

દૂધ-સાકરનો શીરો ખાઈને જજો નિરાંતે, ભોળા!’

‘જમાઈ મારો આવશે સાથે, ઘેરે મૂકી દેશે,

ગભરાશો નહિ, ગોર બાપાને કશું નહિ કહેશે!’

અને પછી તો ગોરપુત્રને એવું ગમી તો ગયું,

સાંજે ઘેર જવા ચાલ્યો, ત્યાં આંખથી આંસુ ખર્યું!

ઘરમાં સૌએ નમી નમી કહે: કરજો અમને માફ!

દત્ત કહે : પ્રભુ સૌને આપો આવાં હૈયાં સાફ!

પંડિતપદના અહંકારમાં વિવેકને મેં ટાળ્યો,

ભોળાંએ માર્ગ ભૂલેલા મને માર્ગ પર વાળ્યો!

સ્રોત

  • પુસ્તક : કાશીનો પંડિત અને બીજાં બાલકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : રમણલાલ સોની
  • પ્રકાશક : નવસર્જન પ્રકાશન
  • વર્ષ : 1858