શહેર છે, કે છે આ સરોવર?
shaher chhe, ke chhe aa sarovar
હેમેન શાહ
Hemen Shah

એક સવારે ઊઠ્યો ત્યાં તો રસ્તાના પગ પાણી રે,
શહેર છે, કે આ સરોવર? વાત નહીં સમજાણી રે.
આ જોઈને થોડું નાચ્યો, પાડી થોડી તાળી રે,
ખુશ થઈને ગરબો ગાયો, જય મા પાવાવાળી રે!
હું તો હંમેશાં કહેતો કે આકાશ ઉપર છે દરિયો રે,
યા તો મોટી વૉટરબોટલ, વરસાદ જેમાં ભરિયો રે.
કોઈ તોફાની અણિયાળી વીજળીઓ ત્યાં ભોંકે રે,
આમ પડે વરસાદ દોસ્તો, હવાને ઝોંકે ઝોંકે રે.
સ્વીમિંગ-પૂલ જેવા રસ્તાથી સ્કૂલે તે કેમ જઈએ રે?
ચાલો ન્હાવા ફરી ફરીથી, સુક્કા શાને થઈએ રે?
હું સ્કૂલે ના જઉં તો એમાં ભૂલ નથી કંઈ ભારે રે,
જો આકાશે વાદળ વાદળ, સૂરજ ગુટલી મારે રે!



સ્રોત
- પુસ્તક : મેઘધનુષ પર જાવું છે (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : હેમેન શાહ
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2000