રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમેં એક સિંહને પાળ્યો છે
એ મારી રજાઈ ઓઢે છે
ડનલૉપની ઉપર પોઢે છે!
આ શું મેં સિંહને પાળ્યો છે?
કે ઊંઘણસિંહને પાળ્યો છે!
એ બોર્નવિટા તો પીએ છે
પણ વાંદાથી બહુ બીએ છે
મારી અગાસી પર સવારના
ચકલીઓ ચણવા આવે છે
ને આળસ ખાતા સિંહજીની
પૂંછડીથી રમવા આવે છે
સિંહ દૂબળો છે કે જાડો રે?
દોસ્તારો કહે, ‘દેખાડો રે!’
તો એક દિવસ, શિયાળામાં
સિંહને હું લાવ્યો શાળામાં
સિંહ દફતર પકડી ચાલ્યો છે
સાંકળથી એને ઝાલ્યો છે
અહીં છોરાં છે, ત્યાં છૈયાં છે
સિંહ નાચે તા...થા...થૈયા છે
સિંહે રાજી થઈ ત્રાડ કરી
લોકોએ રાડારાડ કરી
એ...સિંહ આયો છે, ધાજો રે!
કહી બંધ કરે દરવાજો રે!
કો કબાટ ઉપર બેઠાં છે
કો બાથરૂમમાં પેઠાં છે
ક્લાસેથી ઊંઘતાં જાગ્યાં છે
છોરાં ને ટીચર ભાગ્યાં છે
સિંહ ચાક ને ડસ્ટર સૂંઘે છે,
નેં બેંચ ઉપર જઈ ઊંઘે છે
વાતો કરવાનું ચૂકીને
સહુ લાજ-શરમને મૂકીને
નાઠાં છે, લોકો જુએ છે
બારીમાં ઝૂકી ઝૂકીને
કોઈ છજ્જે તો કોઈ ફળિયા પર
કોઈ છાપરામાંનાં નળિયાં પર
ને ચડ્યા છે ગણિતના માસ્તર
તો બાસ્કેટબૉલના સળિયા પર!
ઈસ્કૂલમાં કાળો કેર થયો
ને હૉલીડે જાહેર થયો
અહીંયાં સૌને જીવ વ્હાલો જી
સિંહરાજા, ઘેરે ચાલો જી
ભઈ, વગર મફતની મજા મળી
સિંહ છે તો આજે રજા મળી
એનાં કેસરિયાળાં જુલ્ફોમાં
ખુશ થઈ હું પીન લગાડું છું
એ શરમાઈને મલકાતો
જ્યારે હું રીબીન લગાડું છું
જો સ્કૂલમાં હૉલીડે જોઈએ
તો સિંહ ભાડે હું આપું છું
(એ જ્યારે પણ ઊંઘતો ના હો
એવા દહાડે હું આપું છું.)
મેં એક સિંહને પાળ્યો છે
-એ મારી રજાઈ ઓઢે છે
ડનલૉપની પર પોઢે છે!
આ શું મેં સિંહને પાળ્યો છે?
કે ઊંઘણસિંહને પાળ્યો છે!
સ્રોત
- પુસ્તક : હાક છીં હિપ્પો (પૃષ્ઠ ક્રમાંક 45)
- સર્જક : ઉદયન ઠક્કર
- પ્રકાશક : અશોક પ્રકાશન મંદિર
- વર્ષ : 2013