હાથીભાઈને મોજ
haathiibhaine moj
કિરીટ ગોસ્વામી
Kirit Goswami

આ હાથીભાઈને મોજ!
ના સ્કૂલ જવાની ચિન્તા, ના હોમવર્કનો બોજ!
જંગલ-જંગલ ફરવાનું ને ઘાસ લીલુંછમ ચરવાનું,
ના મમ્મીની રોક-ટોક કે ના પપ્પાથી ડરવાનું!
ના સ્પેલિંગ પાક્કા કરવાના, નહિ લખવાની નોટ,
તોય કદી ક્યાં કોઈ કહે છે હાથીભાઈને ઠોઠ?
– ને હું મસ્તી સ્હેજ કરું તો ટીચર ખીજે રોજ!
આ હાથીભાઈને સૂંઢ ફૂવારો, મને બાલદી કાં નાની?
તળાવ આખ્ખું ડ્હોળે તોય કોઈ કહે ના તોફાની!
ફાવે ત્યારે રમી શકે એ ફાવે તેવી ગેમ,
મનેય થોડું જીવવા દોને હાથીભાઈની જેમ!
પીછો કાં ના છોડે, દફતર ને નોટોની ફોજ?
આ હાથીભાઈને મોજ...



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008