ઊઠો મહમ્મદ ઘોરી!
uutho mahammad ghorii
હેમેન શાહ
Hemen Shah

સાત હજી તો વાગે ત્યાં તો કહે મને ઢંઢોળી,
સૂરજ માથા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી!
ખાઈ બગાસું કહું કે મમ્મીનું કાચું વિજ્ઞાન,
સવાર હજી તો છે મુંબઈમાં, બપોર હશે જાપાન.
સારું બેટા આઈન્સ્ટાઈન, આ લે કહું છું સૉરી!
સૂરજ માથા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી!
અહીંયાં મારી ચિંતાઓનો વિચાર આવે કોને?
પાછા ક્યાંથી જોડીશ હું આ મારાં સપનાંઓને?
મમ્મી પ્રભાતિયાને બદલે સંભળાવી દે લોરી!
સૂરજ માતા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી!
વહેલાં વહેલાં ઉઠાડવાનો જુલમ ઘણો છે પુરાણો,
આવી ગયો છે વખત કે માથું ઊંચકે કોઈ શાણો!
ખુલ્લેઆમ કરું છું બળવો, માથે ચાદર ઓઢી!
સૂરજ માથા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી!



સ્રોત
- પુસ્તક : મેઘધનુષ પર જાવું છે (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : હેમેન શાહ
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2000