મનની પાંખે
mannii paankhe
રવિન્દ્રનાથ ટાગોર
Ravindranath Tagore

ઘણાય વખતથી
ફૂલને થતું કે,
હું ઊડું ક્યારે?
કે મન ફાવે ત્યાં ફરું...
ભારે મજા આવે...
એક દિવસ–
ફૂલને પાંખ ફૂટી,
એ પતંગિયું બની ગયું.
ભલા!
હવે એને ઊડવાની કોણ મના કરે?
દીવડાની જ્યોત...
રોજ મનમાં વિચારે,
‘મુજથી ઉડાતું જો હોત...
તો કેવું રૂડું?’
અચાનક એક દિવસ
એનેય પાંખ ફૂટી...
જ્યોત આગિયો બની ઊડી...
હવે ઘરમાં બાંધી રાખ્યે
એ રહે કે?
*
તળાવના પાણીને થયું,
‘હાય રે, પેલાં પંખી
આકાશે ઊડતાં
કેવાં સહેલ કરે?’
એક દહાડો... અચાનક, એનેય
ધુમાડિયા રંગની પાંખો ફૂટી.
ને વાદળ બની જળ
આસમાને ચડી ગયાં...!
*
મનેય થયું,
‘ઘોડો બની
આ મેદાન કુદાવી જાઉં.
વળી કદીક થાય,
માછલી બની જળ ઊંડાણે સહેલ કરું.’
વળી થાય,
‘પંખી થઈ આકાશે ઊડું...’
રે, મન, તારી એકેય ઇચ્છા
કદીયે ફળવાની શું?
(અનુ. સુભદ્રા ગાંધી)



સ્રોત
- પુસ્તક : શિશુ (પૃષ્ઠ ક્રમાંક 166)
- સર્જક : રવિન્દ્રનાથ ટાગોર
- સંપાદક : સુભદ્રા ગાંધી
- પ્રકાશક : વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ, વડોદરા
- વર્ષ : 1978