રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
વા વા વંટોળિયા રે
wa wa wantoliya re
જગદીપ વીરાણી
Jagdeep Virani
વાયરા વન વગડામાં વાતા’તા
વા-વા-વંટોળિયા.
અમે વગડા વીંધતાં જાતાં’તાં
વા-વા-વંટોળિયા...વાયરા.
ગાડાં દોડે, ઘુઘરા બોલે
બળદ તણાં શીંગડાં ડોલે
એક સાથ સાથ અમે ગાતાં’તાં...વા-વા-વંટોળિયા.
પથ ડોલંતી, ધૂળ ઊડંતી
ઝાડવાંઓની ઝુંડ ઝૂલંતી
ઝીણી ઝીણી આંખો કરી જોતાં’તાં...વા-વા-વંટોળિયા.
ધોમ ધખેલો, આભ તપેલો
ગરમી તણી ગાર લીંપેલો...
ઊની ઊની લૂ ની મહિં નાતાં’તાં...વા-વા-વંટોળિયા.
અમે ગાડામાં બેસીને જાતાં’તાં...વા-વા-વંટોળિયા.
સ્રોત
- પુસ્તક : વિરાટના પગથારે (પૃષ્ઠ ક્રમાંક 133)
- સર્જક : જગદીપ વીરાણી
- સંપાદક : વિનોદ જોશી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2018
- આવૃત્તિ : (પુનર્મુદ્રણ)