pipuDi bajawo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિપૂડી બજાવો

pipuDi bajawo

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
પિપૂડી બજાવો
રાજેન્દ્ર શાહ

લીલાં લીલાં પાંદડાની પિપૂડી બજાવો ભાઈ,

હોંકારે હોંકારે એને દિયો રે હિલોળ;

સીમના શેઢા તળાવ તીરને ગજાવો ભાઈ,

કોરામોરા વાયરાને લાગે છૉળછૉળ.

ભાઈ પિપૂડી બજાવો

હેઈ પિહૂઈ પિહૂઈ

ઝીણાં ઝીણાં ડૂંડવાંનો ઝલી રહે મોલ ભાઈ,

ખૂલી જતી પાંદડીની વેરાય સુગંધ;

આવ્યાં લેલાં હોલાં છોડી માળા ને બખોલ ભાઈ,

મોકળે બોલે રે એનો રેલાય ઉમંગ.

ભાઈ પીપૂડી બજાવો

હેઈ પિહૂઈ પિહૂઈ.

ખેતરમાં ખેડુ, ગોચરમાં ગોરું ધણ ભાઈ,

ખેલે રે ગોવાળબાળ તરુવર ડાળ :

વાંસની વેણુમાં રાતા રાગનું રટણ ભાઈ,

નવો નવો સૂર કાઢે નવો નવો ઢાળ.

ભાઈ પિપૂડી બજાવો

હેઈ પિહૂઈ પિહૂઈ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982