હાથીભાઈની ચરબી
haathiibhaaiinii charbii
સંજય બાપોદરિયા ‘સંગી’
Sanjay Bapodariya 'Sangi'
સંજય બાપોદરિયા ‘સંગી’
Sanjay Bapodariya 'Sangi'
દિલમાં દુઃખતાં હાથીભાઈ તો દોડ્યા દવાખાને,
રિપોર્ટ દેખી ડૉક્ટર કહે : વાત ધરજો કાને.
થોડી થોડી જામી ગઈ છે લોહી ભેળી ચરબી,
કસરત કરવી, ચરબીવાળું કાંઈ ન લેવું ધરબી.
લખી આપું એક ટૅબ્લેટ મહિનો રાતે ગળવી,
રિપોર્ટ આવે જો નોર્મલ તો દવા કરીશું હળવી.
ચરબી ઓછી કરવા હાથી સાઇકલ રોજ ચલાવે,
સવાર સાંજે સસલા સંગે એ તો હોડ લગાવે.
કરે પુલ-અપ્સ વડલા ડાળે, વડલો આખો નમતો,
વધે ન ચરબી, ધ્યાન રાખતો, ઝાડ-પાન બસ જમતો.
મહિનો પૂરો થાતાં હાથી ગયો ડૉક્ટર પાસે,
રિપોર્ટ દેખી ડૉક્ટર કહે : કસરતથી ચરબી નાસે.
સ્રોત
- પુસ્તક : પરબ : એપ્રિલ ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : ભરત મહેતા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
