galgoto - Children Poem | RekhtaGujarati

ગલગોટો, ગલગોટો હજારીનો ગલગોટો,

મારે આંગણિયે ઊગ્યો તો હજારીનો ગલગોટો.

એમાં કેસરિયા રંગની ભભક ભરી,

એમાં પીળુડા રંગની છાયા ઢળી,

રંગરંગી સોહાય મન મ્હોતો હજારીનો ગલગોટો;

જાણે સૌના અંબાર હરી લેતો હજારીનો ગલગોટો.

એની નાજુક પાંખડિયે ઉષા રમે,

વળી સંધ્યાનાં તેજપુંજ ત્યાં આથમે,

જાણે ઉષાનો ભાઈ હોય મોટો હજારીનો ગલગોટો;

અને સંધ્યા વિયોગે વળી રોતો હજારીનો ગલગોટો.

મધમાખી આવીને બેસે જરી,

એણે દોસ્તી પતંગિયા સાથે કરી,

લળી લળી મારી સામું જોતો હજારીનો ગલગોટો;

મારે આંગણિયે ઊગ્યો તો હજારીનો ગલગોટો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ