chuniyani dukan - Children Poem | RekhtaGujarati

ચૂનિયાની દુકાન

chuniyani dukan

રમણિક અરાલવાળા રમણિક અરાલવાળા
ચૂનિયાની દુકાન
રમણિક અરાલવાળા

નાની દુકાન ભાઈ, નાની દુકાન,

ચકલામાં ચૂનિયાની નાની દુકાન!

સોપારી કાપતો ને બીડી બનાવતો,

વેચે કપૂરી ને મલબારી પાન !—ચકલામાં...

ખોટું લગાડવામાં સમજે ના કોઈને,

સાચવતો સરવેનું મીઠાશે માન !—ચકલામાં...

કોઈ માગે તેજ, કોઈ કોરું કે બંગલા,

કોઈને લાગ્યું છે લાલ સૂકાનું તાન !—ચકલામાં...

માલણ આવીને રોજ મેલે છે ફૂલડાં,

ચૂનિયો આપે છે એક પાનતણું દાન !—ચકલામાં...

ઘસેલા રૂપિયા ને ખોટી બેઆનીઓ,

એવી ખખડાવે છે! તોબા ભગવાન !—ચકલામાં...

ચૂનિયાની બાયડીને પેટ ચાર છોકરાં,

સવારે ઊઠીને માગે પકવાન !—ચકલામાં...

અધરાત મધરાત વેચે છે પાન તો ય,

ગોવાની લોટરીનું ધરતો રહે ધ્યાન !—ચકલામાં...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945