ekaD eko - Children Poem | RekhtaGujarati

સોટી જેવો સળેકડો હું

અંક નગરનો રાજા,

મારી અડખે-પડખે ચાલે

સાજન-માજન ઝાઝા.

હું એવો એકડ એકો

ના જોઈએ મારે ટેકો,

હું એવો એકડ એકો.

સૌથી પહેલો મારો નંબર

અંક નગરમાં આવે,

બીજા અંકો મારી પાછળ

દોડ્યા દોડ્યા આવે.

આકારે હું સાદો-સીધો

ક્યાંય મળે ના ઢેકો,

હું એવો એકડ એકો.

નિશાળમાં તો પહેલા દા’ડે

પહેલો નંબર મારો,

મારી પાછળ બગડો-ત્રગડો

વારાફરતી વારો.

છોરાં સઘળાં પાટીમાં તો

ઘૂંટે એકડ એકો

હું એવો એકડ એકો.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982