આવે મજા!
aave majaa!
ચંદ્રકાન્ત શેઠ
Chandrakant Sheth

ખુલ્લામાં ખેલવાની આવે મજા!
ફરફરમાં ન્હાવાની આવે મજા!
હરિયાળી હોય ત્યાં આળોટી આળોટી
વાદળાંને જોવાની આવે મજા!
રાતરે અગાશીમાં આકાશી ગંગાના
તારાઓ ગણવાની આવે મજા!
શેરીના વ્હેળામાં કાગળની હોડીમાં
આમતેમ તરવાની આવે મજા!
દરિયાનાં મોજાંના ઊછળતા ઘોડલે
ચાંદાને મળવાની આવે મજા!
ડુંગરિયા દાદાના ખંભા પર બેસીને
દુનિયાને દેખવાની આવે મજા!
ધરતીના ખોળાને ખૂંદી ખૂંદીને આમ
મોટાં થવાનીયે આવે મજા!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : નટવર પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
- વર્ષ : 2008