chandarni gay - Children Poem | RekhtaGujarati

ચાંદરણી ગાય

chandarni gay

રમણિક અરાલવાળા રમણિક અરાલવાળા
ચાંદરણી ગાય
રમણિક અરાલવાળા

ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,

વહેલી વહેલી વગડે ચરવા જાય;

રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર થાય,

મધુર મધુર એની ઘંટડી ગાય!

ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,

જંગલમાં ભમતી ઝીંઝવો ખાય;

ઘૂમતી ઘૂમતી જાય ઝરણાને તીર,

શીતળ ને મીઠાં મીઠાં પછી પીએ નીર!

ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,

મખમલ જેવી એની ચળકે છે કાય:

વડલે ગોવાળિયાની વાંસલડી વાય,

ચાંદરણી ગાય બેઠી બેઠી ઝોકાં ખાય!

ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,

સાંજ પડે વહેલી વહેલી ઘરભણી ધાય;

વાછરડી સાથ કેવી કરતી રે ગેલ,

વહાલી વહાલી લાગે એને કોઢિયાની જેલ!

ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય,

તાંબડી લઈને બા દોહવાને જાય;

પ્યાલો ધરીને હું તો ઊભો છું પાસ,

ઉના ઉના દૂધની અંતરમાં આશ!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ