dada - Children Poem | RekhtaGujarati

ઘર આખાનાં

બધાં સગામાં

દાદા સાથે ફાવે.

કરે કંઈ કંઈ નવા તમાશા,

અણજોયાના કરે ખુલાસા,

વાતોના તો અજબ ઝરા શા,

જમવાનું રખડાવે!

મોટાભાઈનો રોફ ભણ્યા જ્યાં,

બાપુજી તો બૉમ્બ બધામાં,

બા કે’ ‘ભાગો, પડો ચૂલામાં’

દાદાજી બોલાવે!

દાદાજી વાળ રૂપેરી,

ચોટલી છોટી, પોતડી પહેલી,

ફેંટો ઠેઠ પૂગે જઈ શેરી,

અમનેયે બંધાવે.

દાદા મારો બનતા ઘોડો,

ચાબુક વિણુ ચડું હું થોડો?

‘ચલ ચલ ઘોડા ઝટઝટ દોડો’

ફટ ફટ ફટાક!

ફટ ફટ ફટાક!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945