charan kanya - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચારણ-કન્યા

charan kanya

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી

સાવજ ગરજે!

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્ય પાતળિયો જોદ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે!

ક્યાં ક્યાં ગરજે?

બાવળનાં જાળામાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે!

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે!

કેવી એની આંખ ઝબૂકે!

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચાં ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે!

બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે

જાણે આભ મિનારા ઊઠે!

ઊભો રે'જે!

ત્રાડ પડી કે ઊભો રે'જે!

ગીરના કુત્તા ઊભો રે'જે!

કાયર દુત્તા ઊભો રે'જે!

પેટભરા! તું ઊભો રે'જે!

ભૂખમરા! તું ઊભો રે'જે!

ચોર-લૂંટારા ઊભો રે'જે!

ગા-ગોઝારા ઊભો રે'જે!

ચારણ કન્યા!

ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો!

સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!

(1928)

રસપ્રદ તથ્યો

ગીરમાં તુલસીઘામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઈ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો. 'ચારણ-કન્યા' પોતાની હાજરીમાં બની રહેલા એક બનાવ દરમિયાન રસાયેલું શીઘ્ર-કાવ્ય છે એવી એક માન્યતા પ્રવર્તે છે. કવિએ પોતે આ કાવ્ય વિશે કરેલા ઊલ્લેખો એથી ઊલટું જ દર્શાવે છે. એમના જ શબ્દો જોઈએ: (... અધરાતને ટકોરે રાજુલા ગામના સ્ટેશન પર પહોંચી, સૂસવાતા પવનમાં શરીર પર ધાબળો લપેટી, મને એ યાત્રા કરાવનાર મિત્રને રામ રામ કરી એના છેલ્લા શબ્દો સાંભળું છું કે ભાઈ! “મોટી ગીર તો હજુ બાકી છે! હજુ તો મોટા સાવજને એક સોટાથી તગડી મૂકનારી ચૌદ વરસની ચારણ-પુત્રીઓ આપણે જોવી છે. જ્યાં ગાડાં પણ ન ચાલી શકે એ અટવીમાં આથડવું બાકી છે. તૈયાર થઈ રહેજો!!” (‘સૌરાષ્ટ્રનાં ખેડેરોમાં’, 1928) ચારણી સાહિત્ય પણ લોકસાહિત્ય છે. એના રંગો આપણે નીતારી લેવા જોઇએ. એ સાહિત્યમાં પણ વીર, કરુણ વગેરે રસોની શાબ્દિક જમાવટ માટે વણસમજ્યે પણ આપણને થડકાવી નાખે છે. એનું મુખ્ય અંગ નાદવૈભવ-નાદપ્રભાવ છે. માટે આપણે શું કરવું રહ્યું? એમ-ને-એમ તો ચારણી છંદો નહીં હજમ થાય. એનું શબ્દગૂંથણ જટિલ છે. એટલે આપણે એ રચનાની શૈલીને સાદા શબ્દોથી ને સાદા ભાવથી વાપરતા થઈ જઈએ, એ યત્ન મેં ‘ચારણ-કન્યા’ના ગીતમાં કરેલો છે. (‘વેણીનાં ફૂલ’નો પ્રવેશક, 1928) સાણો ડુંગર જોયા પછી છૂટા પડતા મિત્ર દુલા ભાયા કાગના કવિએ પોતે ટાંકેલા શબ્દો સ્પષ્ટ કરે છે. 'ચારણ-કન્યા’ માં આલેખાયેલો પ્રસંગ બની ગયો છે અને કવિ મેઘાણી એ સમયે હાજર નથી. એ ઉપરાંત ‘ચારણ-કન્યા' ગીતમાં ચારણી શૈલીનો ઉપયોગ કરવાના પોતાના ‘યત્ન’ની વાત કવિ કરે છે એ શબ્દો ઊભાઊભા અને આવેશમાં બનેલા કાવ્યની છાપ નથી આપતા. કવિએ પોતે કરેલા આ બંને ઉલ્લેખો ‘ચારણ-કન્યા’ ગીત કોઈ પ્રસંગને જોતાં જોતાં મેઘાણીએ રચેલા શીઘ્ર કાવ્ય તરીકેના વર્ણનને કપોલકલ્પિત સાબિત કરે છે. મેઘાણી પરના અતિશય પ્રેમને દર્શાવવા માટે જ આ દંતકથા (કદાચ કોઈ ડાયરામાં) ઊભી થઈ હોવી જોઈએ.)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997