ghughro - Children Poem | RekhtaGujarati

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં,

રાત દિ’ રમે છે રંગીલીના સાથમાં.

જાણે રમે વાડીમાં મોર

બેનીબાના ચિતડાનો ચોર

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.

*

ઘૂઘરો ઘૂમે છે બેનીબાને હોઠડે,

મીઠો મીઠો મોંમાં સંતાય

જાણે હંસ સરવરમાં નહાય

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.

*

ઘૂઘરાને વહાલી બેનીબાની આંગળી

જેવાં બાશું બાપુને વહાલ

જેવાં ભાઈ ભાભી હેતાળ

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.

*

ઘૂઘરાને ચૂસે ચારે પહોર બેનડી,

તોય કો દિ’ ખૂટ્યાં ખીર!

જાણે માન સરવરનાં નીર

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.

*

ઘૂઘરામાં ઘેરું ઘેરું શું ગાજતું,

ગાજે જેવાં ગેબીલાં ગાન

ચંદ્ર-સૂર્ય-તારાનાં તાન

ઘૂઘરો ઘૂમે છે બેનીબાના હાથમાં.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ