jamna Dosi marjadi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જમના ડોસી મરજાદી

jamna Dosi marjadi

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
જમના ડોસી મરજાદી
વેણીભાઈ પુરોહિત

(પાણીનાં ટીપાં કંઈ નાનાં...એ રાગ)

જમના ડોસી નાહવા ચાલ્યાં

થોડું સૂઝે આંખે,

સાંધાવાળું સિંચણિયું ને

ગાગર લીધી કાખે.

મીરાંબાઈનાં ભજનો ગાતાં

જૂને કૂવે આવ્યાં,

ચોસઠ તીરથ સંભારીને

નાહીધોઈ પરવાર્યાં.

આજ હતો શનિવારે, સદુડો

આવ્યો વહેલો ના’વા,

લુચ્ચાએ તર્ક કર્યો

ડોસીને ખિજાવા.

સિંચણિયું સંકેલે ડોસી

ઊભાં કૂવાકાંઠે.

ભુસ્કો મારીને ડોસીને

ભીંજવ્યાં છાંટે છાંટે!

મનમાં મનમાં ચિડાતાં

ફરી બિચારાં નાહ્યાં,

ફરી ફરીને મીરાંબાઈનાં

ભજનો એણે ગાયાં.

ત્યાં તો બીજાં છોરાં આવી

કૂવામાં કંઈ ઠેકે,

ડોસી રોકે તેમ તેમ તો

છોરાં ઊલટાં બહેકે!

‘મર પીટ્યા’ની ગાળો દેતાં

નાહ્યાં ત્રીજી ફેરે,

ભીને કપડે જમના ડોસી

આવ્યાં પાછાં ઘેરે.

ડોસીની દીકરીએ પૂછ્યું:

છાંટે શું અભડાયાં?

ચિડાતાં ડોસીમા બોલ્યાં:

તમે બધાં રઘવાયાં!

હસી હસીને સૌના ત્યારે

દુઃખી આવ્યાં પેટ,

તે દહાડે ડોસીને પ્રભુએ

આપી તાવની ભેટ.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945