buDhiyo - Children Poem | RekhtaGujarati

એક મોટો બૂઢિયો આવ્યો સવારમાં,

વાનરસેનાને વળી લાવ્યો’તો સાથમાં.

ઘરમાં પેસીને એણે ધમ્મચક્કડ માંડી,

બેબીની ચોપડીના પાનેપાન ફાડી,

ખડખડ હસતો’તો લહેરમાં (2)....એક મોટો.

શીકું તોડીને એણે ખાવાનું પાડ્યું,

રોટલી ને શાક સાથે ઝાપટવા માંડ્યું,

જાણે હોય ઘર એના બાપનું (2)....એક મોટો.

ઝુમ્મર ને તોરણ તરાપ મારી તોડ્યાં,

કાચનાં રકેબીપ્યાલા ફટ ફટ ફોડ્યાં;

‘હુક્ક, હુક્ક’ બોલી રમ્યો રંગમાં (2)....એક મોટો.

માસ્તર બનીને બેઠો ખુરશી પર રોફમાં,

લેખણ લઈ હાથમાં લખતો’તો નોટમાં;

મેં ડોકું કાઢ્યું તો કર્યાં દાંતિયાં! (2)....એક મોટો.

છીંકણી-ડબ્બી ઊઘાડી માંડ્યું સૂંઘવા,

‘છીં છીં છીં’ છીંક ખાતો લાગ્યો કૂદવા;

મારા બાપુ જઈ પહોંચ્યા ઉતાવળા (2)....એક મોટો.

બાપુની બૂમ સુણી લાગ્યાં સૌ નાસવા,

એક પછી એક બધાં નાઠાં ઉતાવળાં;

મેં ફટ ફટ વાસ્યાં બારણાં (2)....એક મોટો.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945