bahen - Children Poem | RekhtaGujarati

લાલ ને પીળી, વાદળી લીલી,

કેસરી વળી, જામલી વળી,

રંગ બેરંગી ઓઢણી લઉં,

બહેન મારીને ઓઢવા દઉં!

ચંપા, બકુલ, બોરસલી ફૂલ,

માલતી અને મોગરાનાં ફૂલ,

બાગમાંથી હું ચૂંટી જાઉં,

બહેનને વેણી ગૂંથવા દઉં!

સોનીએ ઘડ્યા, રૂપલે મઢ્યા,

નાના નાના ઘૂઘરા ઝીણા,

એવાં બે ઝાંઝરિયા લઉં,

બહેન મારીને પહેરવા દઉં!

ઓઢણી તમે ઓઢજો બહેની,

ઝાંઝર પગે પહેરજો બહેની,

વેણી માથે બાંધજો બહેની,

છુમ છુમાછુમ, રુમ ઝુમાઝુમ,

દિલ ભરી ભરી, બાગમાં ફરી,

સાંજરે ઘરે આવજો બહેન,

ભાઈને સાથે લાવજો બહેન!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ