mota thaishun - Children Poem | RekhtaGujarati

અમે મોટા થઈશું ત્યારે,

ડૉક્ટર થઈને નાના-મોટા રોગો સારા કરશું,

કપડાં ફક્કડ પહેરી અક્કડ બનીને જ્યાં ત્યાં ફરશું,

અમે તો ડૉક્ટર સાહેબ થઇશું.

અમે મોટા થઈશું ત્યારે,

વકીલ થઈને કેસો નાના-મોટા નિત્ય લઈશું,

હક આનો હક તેનો કરતાં નિત્ય લડાલડ કરશું,

અમે તો વકીલ સાહેબ થઇશું.

અમે મોટા થઈશું ત્યારે,

માસ્તર થઈને નાનાં-મોટાં બાળક ભેગાં કરશું.

વાનરસેના, માંજરસેનાની માનવતા ઘડશું,

અમે તો માસ્તર સાહેબ થઇશું.

અમે મોટા થઈશું ત્યારે,

લેખક થઈશું, સરસ લખીને બાળક રાજી કરશું,

વાતો લખશું, ગીતો લખશું, કંઈક ઉખાણાં કરશું,

અમે તો લેખક એવા થઇશું.

અમે મોટા થઈશું ત્યારે,

ડૉક્ટર થઇશું, વકીલ થઇશું, માસ્તર થઇશું, લેખક થઈશું,

અમે મોટા થઇશું ત્યારે.

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945