rangvadli - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લીલા છે મોર, કાળી વાદળી રે,

એક વાર ઊભાં રો’ રંગવાદળી!

વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે,

એક વાર ઊભાં રો’ રંગવાદળી!

ઝૂરે બપૈયા ઝૂરે ઝાડવાં રે એક વાર.

તરસ્યાં નદીઓ તે કેરાં તીર રે એક વાર.

ઝાઝા દા’ડાના દીધા વાયદા રે એક વાર.

બેઠાં આશાએ બાર માસ રે એક વાર.

ઊંચા આકાશની અટારીએ રે એક વાર.

ઊભાં શાને વિખેરી વેણ્ય રે એક વાર.

ઓઢી છે ઇંદ્રધનુ-ઓઢણી રે એક વાર.

મેલ્યા બે છેડલા ઢળંત રે એક વાર.

આષાઢી બીજની આડ્યો કરી રે એક વાર.

તારાની ટીલડી લલાટ રે એક વાર.

કાંડે તે વીજ કેરી કાંકણી રે એક વાર.

વાદળગંગાનો ગળે હાર રે એક વાર.

ઝાઝા તે કાળની વિજોગણી રે એક વાર.

કાઢો છો કોને કાજ દોટ રે એક વાર.

જળ રે દેવીની તમે દીકરી રે એક વાર.

દાદા રૂડા તે રવિ ભાણ રે એક વાર.

જનનીની પ્રીત ક્યમ વિસર્યાં રે- એક વાર.

દાદાના તાપ શેં સે’વાય રે એક વાર.

આવો આકાશની અધીશ્વરી રે એક વાર.

પૃથ્વીનાં પંખીડાં પોકારે રે એક વાર.

ટાંપીટાંપીને મોર ટૌકીઆ રે એક વાર.

આવો અમીની ભરેલી બેન રે એક વાર.

(અંક ૫૫)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 24)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991