allakdallak - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અલ્લકદલ્લક

allakdallak

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
અલ્લકદલ્લક
બાલમુકુન્દ દવે

અલ્લકદલ્લક, ઝાંઝર ઝલ્લક :

રઢિયાળો જમનાનો મલ્લક;

એથી સુંદર રાધાગોરી,

મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક!

આભે પૂનમચાંદ ઊગ્યો છે,

રાસ ચગ્યો છે છમ્મક છમ્મક!

ગોપી ભેળો કાન ઘૂસ્યો છે,

ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક!

રાધિકાનો, હાર તૂટે છે,

મોતી ચળકે ચલ્લક ચલ્લક!

બધાં જડ્યાં પણ એક ખૂટે છે,

રુએ રાધિકા છલ્લક છલ્લક!

લીધું હોય તો આલને કાના!

મોરી મારું ચલ્લક ચલ્લક!

તારાં ચરિતર છે ક્યાં છાનાં?

જાણે આખો મલ્લક મલ્લક!

કાને ત્યાંથી દોટ મૂકી છે,

રીસ ચડી ગોપીજન વલ્લભ;

કંદબછાયા ખૂબ ઝૂકી છે,

બંસી છેડે અલ્લપ ઝલ્લપ!

રાધા દોડે ચિત્ત અધીરે,

રાસ રહ્યા છે અલ્લકદલ્લક!

સૂર વણાયે ધીરે ધીરે,

ઉર તણાયે પલ્લક પલ્લક!

અલ્લકદલ્લક, ઝાંઝર ઝલ્લક :

રઢિયાળો જમનાનો મલ્લક;

એથી સુંદર રાધાગોરી,

મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982