phutkal ang - Chhappa | RekhtaGujarati

ફુટકળ અંગ

phutkal ang

અખો અખો
ફુટકળ અંગ
અખો

તિલક કરતાં ત્રેપન, થયાં, જપમાલાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોયે પોહોતો હરિને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.

અખા વડું ઊતપાત, ઘણા પરમેશ્વર ક્યાંની વાત?

દેહાભિમાન હુતો પાશેર તે વિદ્યા ભણતાં વાધ્યો શેર.

ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.

અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો.

કામબાણ શક્યો જાળવી. પછે રડવડતી એક આણી નવી.

શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહીં ને ઘર નવરખ્યો.

અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ.

જ્યમ બાધું જોતાં એક ઝાડ. વિગતે જોતાં ભાગે જાડ્ય.

રંગ સ્વાદ પત્ર ફલ ફૂલ, સદગુરુ મળે તો ભાગે ભૂલ.

પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ વીંચ,

અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યા નામ,

સગુણ નિર્ગુણ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ.

પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ.

પોતે ટળ્યા વિના શા કામના? તો અકૃતે વધારી કામના.

કહે અખો કાં ફોક્ટ ફૂલ? ભણ્યાગણ્યા પણ ટળી ભૂલ.

અહંકાર તજીને આશે રહ્યો, મન કર્મ વચને તમારો થયો,

જેમ કાષ્ઠની પૂતળી નાચે નરી, તે કળ સુતારે તમારે કરી,

વાજું વજાડો તો વાજે તદા, વણવજાડ્યું વાજે કદા.

આરત વિના ઊપજે હેત, આરત વિના પૂજારો પ્રેત.

પૂંછલી ભેંસ માંડે પગ, જોર કરીને થાક્યા ઠગ.

ઉપાડે ઘણા પણ ઊભી થાય, અખા જોર કરનારા પાછા જાય.

નથી વાંક વિશ્વંભર તણો, જે કહીએ તે વાંક આપણો.

જેમ કોઈ ભોજન જમાડવા કરે, ત્યાં રિસાણો તે રીસે ફરે.

પૂર્ણાનંદ પીરસનારો રહે, અખા અભાગિયાને કોણ કહે?

સ્રોત

  • પુસ્તક : અખાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : કીર્તિદા શાહ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009