વાઇબ્સ, વેલ્યુઝ અને પવિત્ર બંધન એટલે ભાઈબીજ | Gujarati

વાઇબ્સ, વેલ્યુઝ અને પવિત્ર બંધન એટલે ભાઈબીજ

  • વિપુલ શિંગાળા
  • 11 નવેમ્બર 2026
  • favroite

નવરાત્રિ અને દિવાળીનો હજુ થાક ઉતાર્યો જ ના હોય ત્યાં જ આવે છે એક ખાસ તહેવાર એટલે કે ‘ભાઈબીજ.’ ઘણા લોકોને લાગતું હશે કે ભાઈબીજ તો જૂની પેઢીનો તહેવાર છે, આજની નવી પેઢીને તો એમાં કોઈ રસ નથી; પણ જો આપણે જૂની પરંપરાઓને આજના મૉડર્ન ચશ્માંથી જોઈએ, તો સમજાશે કે ભાઈબીજ એ કોઈ જૂના જમાનાની વિધિ નથી, પણ આજના જમાનાનું અસલી ‘સિબ્લિંગ બોન્ડિંગ ડે’ (Sibling Bonding Day) છે.

જૂના સમયમાં ભાઈબીજનો મૂળ હેતુ એ હતો કે ભાઈ બહેનના ઘરે જઈને તેના હાથનું ભોજન જમે, બહેન ભાઈની લાંબી ઉંમર અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે અને ભાઈ પોતાની બહેનને આજીવન રક્ષણ અને પ્રેમનું વચન આપે. Gen Zએ આ પરંપરાઓને નકારી નથી, પણ તેને પોતાના અંદાજમાં ‘રી-ડિફાઇન’ કરી છે. 

પહેલાંના સમયમાં એવું હતું કે બહેન જમવાનું બનાવે અને ભાઈ જમે. હવે થોડોક બદલાવ આવ્યો છે. હવે “તું શું બનાવીશ?” થી શરૂ કરીને બંને જણા કિચનમાં મેગી કે પાસ્તાની રેસિપી ટ્રાય કરે, અથવા તો ઝોમેટો પરથી ફેવરિટ પિઝા ઓર્ડર કરીને સાથે બેસીને નેટફ્લિક્સ ચાલુ કરી દે! પહેલાં એવું હતું કે ભાઈ બહેનને રક્ષણ કરવાની વચન આપે, આજના સમયમાં બંને એકબીજાના ‘ક્રાઇમ પાર્ટનર’ છે. મમ્મી-પપ્પાની ગાળોથી બચાવવું હોય, કરિયરનું કન્ફ્યુઝન હોય કે બ્રેકઅપનું દુઃખ - બંને એકબીજા માટે કાલ પણ ઊભા હતા અને આજે પણ છે.

Gen Z ભાઈ-બહેન એકબીજા સાથે જેટલો પ્રેમ નથી જતાવતા, એનાથી દસ ગણું તો એકબીજાને ‘રોસ્ટ’ કરે છે. ‘મારું ચાર્જર કેમ લીધું?’, ‘મારી બોટલનું પાણી કોણે પીધું?’, ‘તને કચરામાંથી ઉપાડીને લઈ આવ્યા હતા’ વગેરે વગેરે મીઠી નોકઝોક ચાલતી જ રહેતી હોય છે; પણ જ્યારે લાઇફમાં અસલી પ્રોબ્લેમ આવે, ત્યારે દુનિયા ભલે સામે ઊભી હોય, પણ તમારો ભાઈ કે તમારી બહેન જ તમારી પડખે ઊભા રહેશે. ભાઈબીજ એ જ ‘અનકન્ડીશનલ સપોર્ટ સિસ્ટમ’ને સેલિબ્રેટ કરવાનો દિવસ છે.

ગિફ્ટ લેવા-દેવાની બાબતમાં પણ ફેરફાર થયો છે. પહેલાંના સમયે ભાઈ બહેનને ૫૧ રૂપિયા, ૧૦૧ કે ૨૦૧ રોકડા પૈસા આપી દેતા હતા, પણ હવેના ભાઈ પોતાની બહેનને એનું ફેવરિટ સ્કિનકેર પ્રોડક્ટ કે પછી એની ગમતી બ્રાન્ડના ઈઅરરિંગ્સ અથવા કોઈ OTT પ્લેટફોર્મનું ડિજિટલ સબ્સ્ક્રિપ્શન ગિફ્ટમાં આપે છે. બહેન પણ પોતાના ભાઈને તેના ગમતા સ્નીકર્સ, ગેમિંગ એક્સેસરીઝ કે તેની પસંદગીનું પુસ્તક ભેટ આપે છે.

આમ, ભાઈબીજ એ કોઈ રૂઢિચુસ્ત પરંપરા નથી, એ તો ભાઈ-બહેનની એ અનોખી દોસ્તીનો ઉત્સવ છે જ્યાં કોઈ ‘ફિલ્ટર’ કે ‘ફેકનેસ’ની જરૂર પડતી નથી. તો ભાઈબીજે તમારા ભાઈ કે બહેનને ભેટીને કે મેસેજ કરીને કહો કે, ‘તું ભલે દુનિયાનો સૌથી મોટો નમૂનો છે, પણ યુ આર માય પર્મેનન્ટ સપોર્ટ સિસ્ટમ!’

હૅપ્પી ભાઈબીજ!

લોકપ્રિય બ્લોગ્સ

સ્મરણ શેખાદમનું

સ્મરણ શેખાદમનુંઆગળ વાંચો

ટીનનો સૈનિક

ટીનનો સૈનિકઆગળ વાંચો