સ્મરણ શેખાદમનું | Gujarati

સ્મરણ શેખાદમનું

  • ભરત વિંઝુડા
  • 20 નવેમ્બર 2026
  • favroite

૧૯૮૩ની સાલમાં અમરેલીમાં મુદ્રા સંસ્થા દ્વારા કવિ શેખાદમ આબુવાલાના અધ્યક્ષ સ્થાને એક કવિસંમેલન યોજાયું હતું. કવિઓમાં બહારથી નિમંત્રિત કવિઓ શ્રી વિનોદ જોશી, જયેન્દ્ર શેખડીવાલા, દિલીપ જોશી વગેરે જમણી બાજુ અને  ડાબી બાજુ રમેશ પારેખ સહિતના અમે અમરેલીના કવિઓ હતા. આ લેખ સાથે જે ફોટો મૂક્યો છે તે આ કવિ સંમેલનનો છે. બરાબર વચ્ચે દેવ આનંદ  જેવી હેટ પહેરીને બેઠેલા શેખાદમ આબુવાલા જણાય છે. તેમની ડાબી બાજુ જેમના હાથમાં માઇક છે તે રમેશ પારેખ છે‌. તેમાં ડાબી બાજુથી પ્રથમ જેનો ચહેરો નહીં પણ માત્ર માથાના વાળ દેખાય છે, તે હું છું. ત્યારે હું નવોદિત હતો પણ ફોટા પાડતા હોય ત્યારે કૅમેરા સામે જોવાનું મને ગમતું નહીં. સહજ રીતે જે સ્ટેજ પરથી બોલી રહ્યું હોય તેમના તરફ ધ્યાન હોવું જોઈએ એવી સમજ હતી. આ સમજ આજની તારીખે પણ રહી છે. ફોટામાં છેલ્લે બેઠો હોઉં તેવી બાબતો આજે પણ જોવા મળે છે. ઘણા કાર્યક્રમમાં જવાનું થાય ત્યારે આપણા પહેલા અન્ય મહાનુભાવોએ પોતાને યોગ્ય લાગે તે સ્થાન ગ્રહણ કરી લીધું હોય. એટલે પછી જે ખાલી જગ્યા હોય ત્યાં આપણે બેસવાનું આવે! એ દિવસે રજા હતી. શેખાદમ બપોર પહેલા અમરેલી આવી ગયા હતા. હું પણ ફ્રી હતો એટલે બપોરના અમરેલી પહોંચી ગયો હતો. કાર્યક્રમ રાત્રે ૯-૦૦ વાગે શરૂ થવાનો હતો. શેખાદમ દેખાવમાં પણ એકદમ સરળ સ્વભાવના હતા. વાતો પણ કોઈ ગંભીર નહીં, એવું એમનું વ્યક્તિત્વ જોતા જ ગમી જાય એવું હતું. સાંજે ૪-૦૦ વાગ્યાની આસપાસ તેમણે ભોજા ભગતની જગ્યાએ જવાની ઇચ્છા પ્રગટ કરી. એટલે રમેશ પારેખ સહિત હાજર હતા તે સૌ તૈયાર થઈ ગયા. કારણ કે અમરેલીથી ફતેપુર સાવ નજીક હતું. એક કારમાં અમે સૌ જતા હતા. માર્ગમાં શ્રી શેખાદમ બહુ હળવી છતાં માર્મિક વાતો કરતા કે, અત્યારે બધે બે ચાબખા વખણાય છે. એક સંત કવિ ભોજાભગતના અને બીજા ઝિયાભગતના! ત્યારે ઝિયા-ઉલ-હક પાકિસ્તાનના સરમુખત્યાર શાસક હતા. તેમણે ગુનેગારોને જાહેરમાં ચાબખા ફટકારવાની સજાનો અમલ શરૂ કરાવ્યો હતો. તેની ચર્ચા દુનિયાભરમાં થતી. એમની આવી વાત સાંભળી અને અમે સૌ હસતા! કવિસંમેલન અમરેલીના રૂક્ષ્મણીબેન બાલમંદિર ભવનમાં હતું જે રાત્રે બાર વાગ્યે પૂર્ણ થયું. કવિસંમેલન પૂર્ણ થાય એટલે નજીકમાં જ રાજકમલ ચોકમાં એક ચાની કૅન્ટીન ખુલ્લી હોય ત્યાં ચા પીવા જવાનો રિવાજ હતો. ત્યાં ચા પીતા પીતા શેખાદમ મારી બાજુમાં આવ્યા અને મને કહે કે તમે બહુ સરસ ગઝલ વાંચી તો તમારી ત્રણ-ચાર ગઝલો મને આપો. મેં કહ્યું આપને ટપાલમાં મોકલી આપીશ. મોટા ભાગે આવા કાર્યક્રમોમાં કવિઓ ઔપચારિક રીતે મળતા હોય છે અને એકબીજાના વખાણ કરતા હોય છે, એવું હું માનતો. એટલે શેખાદમે પણ આ રીતે મને ઉત્સાહિત કરવા માટે કહ્યું હશે, તેમ માનીને મેં જવાબ આપેલો હતો.

 

એ કાર્યક્રમ પછી દોઢેક માસ બાદ મારે ગાંધીનગર મુકામે સચિવાલયમાં ઑફિસ કામે જવાનું થયું. કામ પૂરું કર્યા પછી મારે એક અંગત કામ હતું. એ સમયે મારું વતન સાવરકુંડલા ભાવનગર જિલ્લામાં હતું અને હું કલેક્ટર કચેરી, અમરેલીમાં નોકરી કરતો હતો એટલે મેં જિલ્લા ફેરબદલી કરવાની અરજી આપેલી હતી. એ અરજી હકારાત્મક અભિપ્રાય સાથે સચિવાલયમાં પહોંચી હતી. એટલે એ વિભાગના સેક્શન ઑફિસરને મળી અને આ બાબતમાં મેં પૂછ્યું, તો તેમણે કહ્યું કે ‘હાલમાં જિલ્લા ફેરબદલી માટે સરકાર નવી નીતિ નક્કી કરી રહી છે. એટલે હાલમાં કોઈ બદલી થઈ શકે તેમ નથી.’ એટલે મેં બીજો પ્રશ્ન કર્યો કે, ‘આવા સમયમાં પણ બદલી કરાવવી હોય તો શું કરવું જોઈએ?’ તો તેમણે કહ્યું કે ખાસ કિસ્સામાં જે ફાઇલમાં મુખ્યમંત્રી સહી કરી આપે એવા કિસ્સામાં બદલી થઈ શકે છે. આટલી વાત કરીને હું નીકળી ગયો. ગાંધીનગરમાં ત્યારે મૂળ અમરેલી જિલ્લાના એ સમયે કવિ અને બાદમાં વાર્તાકાર તરીકે ખ્યાત થયેલા કિરીટ દૂધાત કે, જે અમને બંનેને  નોકરી મળી ત્યાર પહેલાના પરિચિત હતા, અને મિત્ર હતા. મને અમરેલી નોકરી મળી એ સમયમાં તેમની બદલી  ત્યાં તકેદારી આયોગમાં થઈ હતી. મારે ગાંધીનગર જવાનું થાય ત્યારે કામ પૂરું થયે તેમને મળતો. એટલે હું તેમને મળવા ગયો. તેમને મળીને વાતવાતમાં આ જિલ્લા ફેરબદલીની વાત નીકળી. એમણે કહ્યું કે, 'હાલના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તમામ લોકોના કામ કરી આપે છે તો કવિનું કામ કરવામાં તેમને શું વાંધો હોઈ શકે! તેમના મિત્ર શેખાદમ આબુવાલા સચિવાલયમાં છે. તો આપણે તેમને મળીએ' એમ કહીને એ મને શેખાદમ આબુવાલા પાસે લઈ ગયા. વચ્ચે એક આડવાત શેખાદમ આબુવાલા જર્મનીમાં વરસો સુધી હતા. બાદમાં તેઓએ ભારતમાં અને વતન અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું અને અહીં સાહિત્ય અને પત્રકારત્વનું ખેડાણ કરતા. તેમને માધવસિંહ સાથે બહુ અંગત દોસ્તી હતી. એટલે માધવસિંહે તેમને માહિતી ખાતામાં નાયબ માહિતી નિયામકની એક નવી પોસ્ટ ઊભી કરીને તે પોસ્ટ ઉપર તેમની નિમણૂક કરેલી હતી. અમે શેખાદમ આબુવાલાની ચેમ્બરમાં દાખલ થયા એટલે કિરીટ દૂધાતને તેમણે બેસાડ્યા અને મારી સામે જોઈને કહે કે, મેં તમને ગઝલો મોકલવાનું કહ્યું હતું તો તમે કેમ હજી સુધી મોકલી નથી? એટલે મને પણ નવાઈ લાગી કે આટલી જૂની વાત આ માણસને આજે પણ યાદ છે! મારે તો ખાસ મારું કામ કરાવવું હતું. એટલે મેં શેખાદમભાઈને પ્રોમિસ કર્યું કે હું અહીંથી ઘરે પહોંચ્યા પછી તરત જ તમને રચનાઓ પોસ્ટ કરું છું. પછી કિરીટભાઈએ મારી આ જિલ્લા ફેરબદલીની વાત કરી તો શેખાદમ કહે કે, ‘આવી નાની એવી વાત માટે મુખ્યમંત્રીને વાત કરવી મને યોગ્ય જણાતી નથી. તમે એક કામ કરો કે એ વિભાગના જે સચિવ છે તેનું નામ શું છે એ મને ફરીને જ્યારે આવો ત્યારે જણાવો. એટલે તમારું કામ થઈ જશે.’ આટલી વાત કરીને અમે ત્યાંથી નીકળી ગયા. સાવરકુંડલા પહોંચીને પ્રથમ કામ તેમને ત્રણ-ચાર રચનાઓ મોકલવાનું કર્યું. એ એટલા માટે કર્યું કે મારે જિલ્લા ફેરબદલી કરાવવી હતી. તેમને આ મારી ગઝલો શા માટે જોઈએ છે તે મને કંઈ ખબર ન હતી. પણ તેમને ગઝલો મોકલ્યા પછી પંદરેક દિવસ પછી મને કવિ હર્ષદ ચંદારાણાનો ફોન આવ્યો કે, ‘તમારી ગઝલો ઉપર શ્રી શેખાદમ આબુવાલાએ 'ગુજરાત' પાક્ષિકમાં એક લેખ કર્યો છે.’ આ વાત સાંભળીને મને અત્યંત આનંદ થયો. નોકરી પરથી છૂટ્યા પછી મેં હર્ષદભાઈની ઑફિસે જઈને ગુજરાતનો અંક મેળવ્યો. ત્યાં સુધી મને ખબર ન હતી કે શેખાદમ આબુવાલાને મારી ગઝલ વિશે લખવું છે!

તો આટલા‌ સરળ હતા શેખાદમ આબુવાલા. તેમણે જે લખ્યું તે મારી કવિતાઓ વિશે ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ લેખ હતો. એટલે એનો આનંદ કેટલો હોય, બધા સમજી શકે છે. એ પછી થોડો સમય મારે ગાંધીનગર જવાનું થયું નહીં. ત્યાર બાદના થોડા સમયમાં અનામત વિરોધી આંદોલન શરૂ થયા. શરૂઆત અમદાવાદથી થઈ ને તે સમગ્ર ગુજરાતમાં ફેલાયાં. અનામત વિરોધી આંદોલન દરમિયાન કોમી તોફાનો પણ શરૂ થયા. એ સમય દરમિયાન શેખાદમ ગંભીર બીમારીમાં પટકાયા. અને તેઓ કચેરીમાં આવતા બંધ થયા. હવે મારે જિલ્લા ફેરબદલી માટે નહીં પણ તેમણે મારી કવિતા વિશે જે લખ્યું તે બદલ તેમને તેમ જ તેઓ બીમાર હોઈ મળવું હતું. એ સમયે મારી પાસે કલેક્ટર કચેરીમાં કાયદો અને વ્યવસ્થાનું ટેબલ હતું એટલે એવા સમયમાં પણ મારે ગાંધીનગર જવાનું થતું. પણ તેમના રહેણાંક વિસ્તારમાં જવાનું બહુ અજાણ્યું પડતું હતું. તોફાન દરમિયાન કર્ફ્યુ દરમિયાન તેમના રહેણાંકે જવું શક્ય ન હતું. થોડા સમય બાદ ૨૦ મે, ૧૯૮૫ના રોજ કવિના અવસાનના સમાચાર બીજા દિવસે અખબારોમાં વાંચીને આઘાત લાગ્યો. પછી અખબારો દ્વારા જ સમાચાર મળતાં રહ્યાં કે તેમની સ્મશાનયાત્રા વખતે વરસાદ શરૂ હતો છતાં મુખ્યમંત્રીશ્રી પણ એમાં જોડાયા હતા. થોડા સમય બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમદાવાદ મુકામે યોજાયેલો. એ કાર્યક્રમમાં માધવસિંહ સોલંકીએ શેખાદમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, ‘બધા મને આદર સાથે તમે કહીને બોલાવે છે. વડાં પ્રધાન ઈન્દિરાજી પણ મને માનથી બોલાવતાં હતાં. મને તું કહીને બોલાવનાર એક માત્ર શેખાદમ હતો જે હવે નથી.’

મારે તેમની સાથે બે વખત મુલાકાત થઈ. પણ તેનો પ્રભાવ મારા ઉપર એટલો બધો રહ્યો કે તેમના ૧૯૮૫ના અવસાન બાદ મારો સાતમો ગઝલસંગ્રહ (૨૦૧૬માં) તેમને અર્પણ કર્યો હતો. સંગ્રહ અર્પણ કર્યા પછી તેમના કોઈ વારસદાર તો હતા નહીં, એટલે મેં એમના ખાસ મિત્ર વિનોદ ભટ્ટને સંગ્રહ મોકલ્યો. વિનોદ ભટ્ટને કોઈ સામયિકમાંથી મારો ફોન નંબર મળ્યો હશે. એટલે ત્યાર બાદ એક વખત એમનો ફોન આવ્યો કે તમારો સંગ્રહ મળ્યો છે. ઘણા સમયથી તમારી સાથે વાત કરવી હતી. આ સંગ્રહ તો મળ્યો પણ તમે તે શેખાદમને અર્પણ કર્યો છે. તો એમના પરિચયમાં તમે કેવી રીતે? એવું મને વિનોદ ભટ્ટે પૂછ્યું, ત્યારે મેં ઉપર જણાવેલી વિગત તેમને ફોનમાં કહી સંભળાવી.એટલે વિનોદ ભટ્ટ બહુ ખુશ થયા અને મને કહ્યું કે ‘શેખાદમનો સ્વભાવ દરેક માણસ પ્રત્યે આવો જ હતો. જેવો તમારી તરફ હતો. એટલે મને વધારે આનંદ થયો. હાલમાં શેખાદમ પણ નથી અને વિનોદ ભટ્ટ પણ નથી. શેખાદમ જન્નતમાં હશે અને વિનોદ ભટ્ટ સ્વર્ગમાં. ઈશ્વરના ઘરમાં જો ભેદભાવ ન હોય તો કદાચ બંને સાથે જ હશે‌. જો તેઓ સાથે હશે તો મારી આ વાત તેમના સુધી પહોંચશે.

લોકપ્રિય બ્લોગ્સ

સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન?

સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન?આગળ વાંચો

ટીનનો સૈનિક

ટીનનો સૈનિકઆગળ વાંચો