કવિસંમેલનોના ખટમીઠા અનુભવો
મહત્તા સમંદરની છે, છીપલાની નહિ. જોકે છીપલું કાને માંડવાથી સમંદરનો ઘુઘવાટ સંભળાય છે. તેમ કવિસંમેલનોની વાતો કાને પડવાથી કવિતાનું વાતાવરણ રચાય છે. મુંબઈના તેજપાલ હૉલમાં કવિસંમેલન ચાલે. સંચાલક સુરેશ દલાલ બોલ્યા, ‘હું અત્તરિયો છું, કવિઓને રજૂ કરતો જઈશ; એક પછી એક શીશીઓ ખોલતો જઈશ, વિધવિધ સુગંધો ધરતો જઈશ.’ મરીઝ સાહેબ તો જેવા પદ્યના શોખીન તેવા જ મદ્યના; બોલી ઊઠ્યા, ‘મારી શીશીમાંથી શેની ગંધ આવે છે?’ હરીન્દ્ર દવે, દફતરે પહોંચવાની ઉતાવળ હોવાથી, વહેલા ઊઠ્યા. જૂતાં મંચની આજુબાજુ ઉતારેલાં, અંધારામાં મળે નહિ. સ્ટેજ પરથી સુરેન ઠાકર મેહુલે ટકોર કરી, ‘હરીન્દ્ર પોતાના જ પેંગડામાં પગ ઘાલી નથી શકતા.’ આ જ મેહુલભાઈ ભારતીય વિદ્યા ભવનના મંચ પર મારી પડખે બેઠેલા. એક કવિએ માઇક પરથી ઘોષણા કરી, ‘હું નરસિંહ મહેતાનો વંશજ છું.’ મેહુલ મને કાનમાં કહે, ‘વંશજ ખરા, પણ બોતેરમી પેઢીએ.’ ‘તમે કેમ જાણો?’ મેં પૂછ્યું. તેમણે સમજાવ્યું, ‘નરસિંહ મહેતા એકોતેર કુળ તો તારી ગયેલા.’ મેહુલભાઈ ગુજરાતીના લેક્ચરર, લોકસાહિત્યના મરમી, વાતની માંડણી કરી જાણે. એક વેળા સંચાલન કરતાં બોલ્યા, ‘ગઝલમાં મુલાયમતા તો ગની દહીંવાળાની જ. તેઓ વ્યવસાયે દરજી હતા.’ મેં માઇક પરથી મમરો મૂક્યો, ‘કવિ પ્રોફેસર હોય કે પ્લમ્બર, શો ફેર પડે છે? દરજી તો દરજી, જેવી ભગવાનની મરજી. એમ તો એલિઝાબેથ પણ ટેલર જ હતીને!’ મુંબઈનો જ એક મુશાયરો. પડદો ખૂલવાને વાર હતી. કવિઓ ગાદી-તકિયે બેઠા હતા. ભગવતીકુમાર શર્માને માથે કાંસકી ફેરવતાં જોઈને શોભિત દેસાઈ ગણગણ્યા, ‘ભગવતીકુમાર એક વાળને માટે શું કામ કાંસકી રાખતા હશે?’ ‘કેમ?’ મેં બચાવ કર્યો, ‘ઘણા શાયરો એક ગઝલ માટે દીવાન નથી છપાવતા?’ મુંબઈના દાદર વિસ્તારના મુશાયરામાં એક શાયરે ઘોષણા કરી કે મહાત્મા ગાંધીએ પણ ગઝલ લખી હતી, મારી પાસે લેખિત પુરાવો છે. કોથળામાંથી બિલાડું નીકળ્યું. જલન માતરીએ રહસ્યસ્ફોટ કર્યો : ‘ગઝલસમ્રાટ’ શયદા ગાંધીજીના દર્શન કરવા ગયા હતા. તેમણે તાજા ગઝલ લખીને ધરી. ગાંધીજીનો મૌનવાર હોવાથી તેમણે ગઝલની નીચે લખ્યું, ‘બહુ મીઠું લાગ્યું’ અને પોતાની સહી કરી. ત્યારથી એ ગઝલ ગાંધીજીની હોવાની માન્યતા ચાલી પડી. સિત્તેરનો દાયકો ચાલે. તેજપાલ હૉલમાં કવિસંમેલન. સંચાલક (કહેવાની જરૂર ખરી?) સુરેશ દલાલ. કવિઓ એક પછી એક રજૂ થતા જાય, પણ કવિતાનો વિષય એક જ — ટ્રોયનો ઘોડો! અનિલ જોશી, નીતિન મહેતા, સિતાંશુ યશશ્ચંદ્ર… બે-ત્રણના અપવાદ સિવાય સૌએ ટ્રોયનો ઘોડો જ હાંકે રાખ્યો. શ્રોતાઓને સમજાય નહિ કે આવું કેમ? ટ્રોયના ગઢમાં છદ્મવેશે પેસી ગયેલા યોદ્ધાઓ પેઠે આ કવિઓ વિદ્રોહ કરતા હશે? ૧૯૯૭માં અમે દસેક કવિઓ મુશાયરા કરવા કલકત્તા ગયા હતા. ‘જલનભાઈ…’ રઈશ મનીઆરે વાતની શરૂઆત કરી, ત્યાં જલન માતરી વિફર્યા. ‘ભાઈ શાનો કહે છે? જલનસાહેબ નથી કહેવાતું?’ આ હતી આંખોઆંખ દીઠેલી વાતો. હવે કાનોકાન સાંભળેલી કહું? ગુજરાતમાં મુશાયરા પ્રવૃત્તિના આરંભના દિવસો. ખોલવડમાં મુસ્લિમ અધિવેશન ટાણે મુશાયરો. શાયરોમાં બે તડાં પડી ગયેલાં અને કંઈ છમકલું ન થાય માટે હઝલસમ્રાટ બેકારના ભાઈ ભરી બંદૂકે શ્રોતાગણમાં બેઠેલા. રતિલાલ અનિલે આ પ્રસંગ ‘સફરના સાથી’માં નોંધ્યો છે. આઈ.એન.ટી.ના મુશાયરામાં જલન માતરીનો છાકો પડી જતો. તેઓ સાથે ટેપરેકોર્ડર લાવે અને પોતાને મળતો પ્રચંડ પ્રતિસાદ રેકોર્ડ કરીને અમદાવાદમાં સૌને સંભળાવે. આદિલ મન્સૂરી સ્વભાવે ટીખળી. જલન માતરી રેકોર્ડર ચાલુ કરીને જેવા માઇક પાસે ગયા કે તેમણે કરી દીધું બંધ. મુશાયરો લૂંટીને જલન પોતાની જગાએ પાછા ફર્યા અને રેકોર્ડર બંધ જોઈને મોઢું પડી ગયું. તેરી બી ચુપ ઔર મેરી બી ચુપ. ગુજરાતના મુશાયરાનો એક કિસ્સો ચિનુ મોદીએ સંભળાવેલો : જલનસાહેબે ગઝલપાઠ કર્યો. તેમની ગઝલોનો રંગ તો આપણે જાણીએ જ છીએ : પજવે છે શાને કારણ? અલ્લાહ સીધો રહે ને શું જોઈએ છે તારે? હાજર થઈને કહેને! આવા શેર! શ્રોતાઓમાંથી ઘણાં ‘કુફ્ર, કુફ્ર!’ બોલતાં ઊભા થઈ ગયા. ચાલીસ-પચાસના દાયકામાં જ્યોતીન્દ્ર દવેના સંચાલનમાં મુશાયરા થતા. શાયરોને રજૂ કરવાની તેમની ઢબ નિરાળી હતી. બોય્સ ટાઉન, નાસિકના પ્રિન્સિપાલ બેજન દેસાઈ સ્થૂળકાય હતા. તેમને રજૂ કરતાં જ્યોતીન્દ્રભાઈ બોલ્યા, ‘હવે આવે છે બે-જણ દેસાઈ!’ પછીના કવિની રજૂઆત આમ કરી, ‘હવે લગ્નનો આખો માંડવો આવશે : વેણી છે, ભાઈ છે અને પુરોહિત પણ છે : વેણીભાઈ પુરોહિત!’ શાયર નાઝ માંગરોલી મુંબઈના શેરિફ થયેલા. જ્યોતીન્દ્રભાઈએ તેમની ઓળખાણ આમ કરાવી, ‘નાઝમાં ગરોળી!’ એક વાર સૈફ પાલનપુરી વગેરે મુંબઈના શાયરોએ આઈ.એન.ટી.ના દામુ ઝવેરીને સમજાવ્યા કે અમૃત ઘાયલને બહારગામથી તેડાવવાના ખર્ચા શું કામ ભોગવો છો? અમે મુંબઈના શાયરો ક્યાં નથી? ત્યાર પછી અમુક સમય સુધી ઘાયલની બાદબાકી થતી રહી. આખરે જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે ઘાયલે મુશાયરામાં આ શેર સંભળાવ્યો : સમઝાતું નથી કંઈ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ઘેલું જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો છું. શાયરોમાં હરીફાઈની શી નવાઈ? અમૃત ઘાયલે મંચ પરથી રજૂ કરેલો એક શેર સાંભળીને શૂન્ય પાલનપુરી ઊભા થઈ ગયેલા : મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’, શૂન્ય કરતાં તો હું સવાયો છું.
