જૂલે વર્નનો ભારત પ્રેમ | Gujarati

જૂલે વર્નનો ભારત પ્રેમ

  • લલિત ખંભાયતા
  • 25 નવેમ્બર 2026
  • favroite

પેટા/ઇન્ટ્રો - વિજ્ઞાનકથા લેખન જગતમાં જૂલે વર્નનું નામ વેંત ઊંચેરું છે. એ જૂલે વર્ને ભારતની ક્યારેય સફર નહોતી કરી, પણ ભારત પ્રત્યેની એમની ચાહના એમની કથાઓમાં દેખાયા વગર રહેતી નથી.

1866ની સાલમાં એક વિચિત્ર બનાવ બન્યો. સમુદ્રમાં અચાનક અજાણ્યું જળચર જોવા મળ્યું. સંશોધકો મૂંઝાયા અને સરકારો ધંધે લાગી. એ તપાસ કરવા સાહસિક વિજ્ઞાની સમુદ્રની સફરે નીકળી પડ્યા. પછી ખબર પડી કે સમુદ્રમાં જે જળચર દેખાય છે એ હકીકતે તો સમુદ્રી વાહન છે. હવે એવાં વાહનો સબમરિન તરીકે ઓળખાય છે પણ ત્યારે એ નામ જાણીતું ન હતું.

કોઈને કલ્પના હોય ત્યારે સમુદ્રમાં જ દિવસો સુધી રહી શકાય એવું વાહન બનાવનારું ભેજું કોણ હતો?

એ હતો કેપ્ટન નેમો.

’20, 000 લીગ અન્ડર ધ સી’ એટલે કે સમુદ્રના પેટાળમાં 80 હજાર કિલોમીટરની સફર. લીગ એ અંતરનું માપ છે અને એક લીગ એટલે 4 કિલોમીટર ગણી શકાય. જૂલે વર્ન(1828 -1905)ની એ જગવિખ્યાત વાર્તા છે. ગુજરાતીમાં તેનો ‘સાગર સમ્રાટ’ નામે અનુવાદ થયો છે. તેનો હીરો છે કેપ્ટન નેમો.

પણ એટલી ઓળખાણ પૂરતી નથી. કેપ્ટન નેમો કોણ હતો, ક્યાંનો હતો, શા માટે ધરતીને બદલે સમુદ્ર ધમરોળતો હતો?

જૂલે વર્નના એ બેસ્ટ સેલર પુસ્તકમાંથી તો બધા જવાબો નથી મળતા, પરંતુ પછી 1875માં આવેલા ગ્રંથ ‘ધ મિસ્ટિરિયસ આઇલેન્ડ’માં જવાબ મળે છે. કેમકે એ વાર્તામાં પણ કેપ્ટન નેમો છે. એમાં જ ખુલાસો પણ મળે છે કે નેમો એ મૂળ ભારતનો રાજા છે. જૂલે વર્નની કલ્પના મુજબ 1875ની ક્રાંતિ વખતે મળેલી નિષ્ફળતા પછી એ રાજવીને દુનિયાદારી, રાજ-પાટ, ભોગ-વિલાસ બધામાંથી રસ ઊડી ગયો છે. હવે તેને એક જ વાતમાં રસ છે, સમુદ્રમાં ફરતાં રહેવાનો. એ દરમિયાન પોતાના કેટલાક છૂપા ઉદ્દેશો પણ એ પાર પાડે છે. તેના રજવાડાનું નામ ડકાર છે અને વિસ્તાર બુંદેલખંડ છે. ટીપુ સુલતાનનો એ વારસ હોવાનું પણ જૂલે વર્ને કલ્પનાજગત રચ્યું છે.

સમુદ્રમાં સફર કરવી આજે અઘરી નથી લાગતી, પણ જૂલે વર્ને જ્યારે કથા લખી ત્યારે તો જહાજો પણ મર્યાદિત પ્રકારનાં જ હતાં. પેટાળમાં ડૂબકી મારી શકાય એ તો વિચાર જ વર્ષો દૂર હતો. પણ એ કલ્પના કરી દેખાડી એટલે જ તો જૂલે વર્નને કલ્પના જગતનો કોલંબસ કહેવામાં આવે છે.

કેપ્ટન નેમો એ જગતનું યાદગાર કાલ્પનિક પાત્ર છે. એટલે સમુદ્રમાં આવેલા જમીનથી સૌથી દૂરના સ્થળને પણ ‘પોઇન્ટ નેમો’ નામ અપાયું છે. પ્રશાંત મહાસાગરમાં આવેલા પોઇન્ટ નેમો નામના કાલ્પનિક સ્થળથી નજીકનો ઈસ્ટર ટાપુ 2700 કિલોમીટર આઘો છે. એટલે જ તો પોઇન્ટ નેમોની સૌથી નજીકનું કોઈ સ્થળ ધરતી પર નથી, ઊંચે આકાશમાંથી રોજ રોજ પસાર થતું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. કેમકે સ્પેસ સ્ટેશન 400 કિલોમીટરના સરેરાશ અંતરે ભ્રમણ કરે છે.

એ બધું જ મહાત્મ્ય ધરાવતું નામ નેમો ભારતમાં મૂળિયાં ધરાવે છે.

ફ્રાન્સમાં જન્મીને જગત પર છવાઈ ગયેલા જૂલે વર્ને જીવનમાં બહુ ઓછા પ્રવાસો કર્યા હતા. પણ તેના વાચકોને ધરતીના પેટાળ, સાતેય ખંડ, બરફીલી ભૂમિ, પહાડોની ટોચથી લઈને છેક ચંદ્ર સુધીની સફર એમણે કરાવી છે. એમણે કરેલી કલ્પનાઓ પાછળથી સાચી પણ પડી છે.

જૂલે વર્નની ઘણી વાર્તાઓમાં તેમનો ભારત પ્રેમ દેખાયા વગર રહેતો નથી. જૂલે વર્નની સૌથી પહેલી વાર્તા એટલે ‘ફાઇવ વીક્સ ઇન અ બલૂન.’ ગુજરાતીમાં તેના ‘બલૂન પ્રવાસ’ અને ‘બલૂનમાં પાંચ અઠવાડિયા’ એમ બે અનુવાદો થયા છે. છેક 1863માં આવેલી વાર્તા આફ્રિકા ખંડને બલૂનમાં બેસીને ક્રોસ કરવાની રસપ્રદ સાહસ પ્લસ વિજ્ઞાન પ્લસ મનોરંજન કથા છે. બલૂન પ્રવાસ કરનારા સંશોધક-વિજ્ઞાની છે ડૉ. સેમ્યુઅલ ફર્ગ્યુસન. એ એમના નોકર સાથે બલૂન સફરે ઊપડે છે અને સાથે એક મિત્રને પણ લે છે. માથાફરેલા મિત્રનું નામ છે ડિક કેનેડી.

ડિક અને ફર્ગ્યુસન મિત્ર કઈ રીતે બન્યા હતા?

ત્રીજા પ્રકરણમાં તેનો જવાબ આપતાં લખ્યું છે કે બન્ને ભારતમાં મળ્યા હતા. અંગ્રેજો હતા અને અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં નોકરીએ આવ્યા હતા. બન્ને કલકત્તામાં સૈનિકો હતા અને એક પલટનમાં કામ કરતા હતા. ત્યાંથી મિત્રો બન્યા અને પછી તો આફ્રિકા ખંડની હવાઈ સફર કરી ડંકો વગાડી દીધો. એ પરાક્રમો પર વાર્તાનાં 100 વર્ષ બાદ બે નમૂનેદાર અંગ્રેજી ફિલ્મો પણ બની.

જૂલે વર્નની વધુ એક નોંધપાત્ર અને જગવિખ્યાત થયેલી વાર્તા છે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ્સ ઇન એઇટી ડેઝ’ એટલે કે ‘એંસી દિવસમાં પૃથ્વીની પરિક્રમા.’ એનોય ગુજરાતી અનુવાદ થયો છે અને ફિલ્મો બની છે. ઇંગ્લેન્ડમાં પોતાને માંધાતા માનતા રોયલ સોસાયટીના અહંકારી વિજ્ઞાનીઓને પડકાર આપીને 80 દિવસમાં ધરતી ધમરોળવા નીકળી પડતા સાહસિકની વાર્તા છે. સાહસિકનું નામ છે ફિલિયસ ફોગ અને તેની સાથે જોડાયો છે વફાદાર નોકર જેનું નામ પણ એટલું જ વિચિત્ર છે, પાસપોર્ટ.

ધરતી ફરવા નીકળી પડે તો રસ્તામાં ભારત તો આવે જ ને! એટલે આ વાર્તામાં પણ ભારત આવે છે. ભારતના પશ્ચિમ છેડે થઈને બન્ને ધમાલિયા સાહસિકો પૂર્વ છેડે નીકળી આગળ વધે છે. આ વાર્તામાં મુખ્ય પડકાર ઓછા દિવસોમાં સફર પૂરી કરવાનો છે. એમાં સાહસિકોની મદદે ભારતમાં નવી નંખાયેલી રેલવે લાઇન આવે છે. રેલવે પકડીને જ ફોગ-પાસપોર્ટ ભારતના આ છેડેથી પેલા છેડા સુધી પહોંચી શકે છે.

ફોગ-પાસપોર્ટની ધરપકડ કરવા માટે ઇંગ્લેન્ડથી સ્કોટલેન્ડ યાર્ડની ટીમ રવાના થઈ હોય, એ પણ મુંબઈ પહોંચે છે. તો વળી પાસપોર્ટ મલબાર હિલના એક મંદિરની મુલાકાત પણ લે છે. ભારતમાં હાથીની ખરીદી પણ કરે છે અને તેના સંચાલન માટે એક મહાવત પણ નોકરીએ રાખે છે. રસ્તામાં ભારતની સતીપ્રથા જોવાની પણ તેમને તક મળે છે. એમ કરતાં છેવટે કલકત્તા ઊતર્યા પછી ત્યાંથી જહાજમાં સવાર થઈને સફર આગળ ધપાવે છે.

આ સફર એટલી લોકપ્રિય છે કે આજે પ્રવાસીઓ 80 દિવસમાં દુનિયા ઘૂમવા વણચીંધ્યા માર્ગે નીકળી પડે છે. ટ્રાવેલ કંપનીઓ ખાસ એ પ્રકારના પૅકેજ પણ આપે છે.

*

જૂલે વર્નની એક વાર્તા આખી 1857ની ક્રાંતિ પર આધારિત છે અને એમાં વળી નાનાસાહેબ પેશ્વા સહિતનાં પાત્રો છે. વાર્તાનું નામ છે ‘ધ એન્ડ ઓફ નાના સાહિબ : ધ સ્ટીમ હાઉસ’ અથવા ‘ડેમોન ઓફ કાનપુર (એ વખતનો અંગ્રેજી સ્પેલિંગ - Demon of Cawnpore).’ વાર્તાનું વધુ એક નામ ‘ટાઇગર્સ એન્ડ ટ્રેઇટર્સ.’ (વર્નની વાર્તાઓ ફ્રેન્ચમાં લખાઈ. એ પછી અંગ્રેજીમાં આવી. એ પછી ગુજરાતી સહિતની ભાષાઓમાં આવી. માટે તેના નામોમાં વૈવિધ્યનો અને ગૂંચવાડાનો પણ પાર નથી. પણ વાત અલગ થઈ)

સમર્થ અનુવાદક-લેખક-પત્રકાર યશવંત મહેતાએ એ વાર્તાનો ‘લોહગજ’ નામે અનુવાદ કર્યો છે. લોહ એટલે લોખંડ અને ગજ એટલે હાથી. કેમકે વાર્તામાં એક લોખંડનો બનેલો હાથી જે સ્ટીમ (વરાળ) એન્જિનથી ચાલે છે. એન્જિનથી હાલતો-ચાલતો હાથી હોય એ કલ્પના જ ત્યારે રોમાંચક હતી. હાથી પાછળ વળી ડબ્બો જોડેલો જેમાં રહી શકાય. હિન્દુસ્તાનની સંપૂર્ણ યાત્રા કરી શકે એ માટે અંગ્રેજોએ એ હરતું-ફરતું મકાન તૈયાર કરાવ્યું હતું.

આ વાર્તામાં જૂલે વર્નનું ભારત વિશેનું અજ્ઞાન પણ છતું થાય છે. નાનાસાહેબ વિશે પણ જે લખ્યું છે એ આજે બધાને માફક આવે એવું નથી. પણ વાર્તા તો અંતે વાર્તા હોય છે. અંગ્રેજો વાઘનો બેફામ શિકાર કરતા હતા એ પણ વાત અહીં વણી લેવાઈ છે. જોકે વાર્તામાં લખ્યું છે કે ડઝનેક વાઘ એક સાથે ઊભા હતા. એ વાત વાસ્તવિકતા સાથે મેળ ખાતી લાગતી નથી. એટલા વાઘ એક સાથે મનુષ્યો સામે આવે નહીં. તો વળી આગળ આવે છે કે સોએક હાથી જમા થયા. એ પણ શક્ય લાગતું નથી.

તો વળી ભારતીયોને ગૌરવ થાય એવું પણ લખ્યું છે : ‘નિઃશસ્ત્ર દુશ્મન પર હુમલો કરવાની ભારતીયોની નીતિ રહી નથી.’

*

જૂલે વર્ને ખરેખર કેટલાં પુસ્તકો લખ્યાં તેનો ચોક્કસ આંકડો મળવો મુશ્કેલ છે, તેનાં બે-ત્રણ કારણો છે. એક તો તેમનું લખાણ ફ્રેન્ચમાં હતું. એ પછી અંગ્રેજી થયું, એ પછી ભારતમાં ગુજરાતી સહિતની ભાષાઓમાં અનુવાદ થયા. એટલે ફ્રેન્ચમાં મૂળ શું અને કેટલું લખાયું એ ચેક કરવું અઘરું કામ છે.

બીજું કારણ એ છે કે ઘણી વાર્તાઓ ટૂંકી લખીને એક પુસ્તકમાં સમાવી લેવાઈ હોય. બાદમાં એ વાર્તાઓ સ્વતંત્ર પુસ્તક તરીકે આવી છે અથવા તો અનુવાદ પામી છે. માટે પણ તેની સંખ્યાનો મેળ બેસતો નથી. વર્નના ચાહકો માટે જોકે સંખ્યા મહત્ત્વની છેય નહીં.

મૂળ વાત એટલી જ કે તેમની વાર્તાઓમાં આખું જગત આવે છે અને એમાં ભારતને વેંત ઊંચેરું સ્થાન આપ્યું છે.

(સૌજન્ય : ‘ગુજરાત - દીપોત્સવી અંક, 2024’માંથી, પૃષ્ઠ ક્રમાંક : 107)


સંબંધિત વિષયો

લોકપ્રિય બ્લોગ્સ

સ્મરણ શેખાદમનું

સ્મરણ શેખાદમનુંઆગળ વાંચો

ટીનનો સૈનિક

ટીનનો સૈનિકઆગળ વાંચો