ગુજરાતીની પડોશભાષાઓ | Gujarati

ગુજરાતીની પડોશભાષાઓ

  • જયંત કોઠારી
  • 27 નવેમ્બર 2026
  • favroite

ગુજરાતી ગુજરાત રાજ્યની માન્ય ભાષા છે. ગુજરાતની સીમાઓ અત્યારે આ પ્રમાણે છે (ગુજરાતનો નકશો જુઓ) : કચ્છ, કાઠિયાવાડ સમેત સમગ્ર પશ્ચિમ સીમાએ તથા કાઠિયાવાડની દક્ષિણે અરબી સમુદ્ર, ઉત્તરે કચ્છનું રણ અને પાકિસ્તાનનો સિંધ પ્રદેશ, ઉત્તર-પૂર્વ સીમાએ રાજસ્થાન, મધ્ય-પૂર્વ સીમાએ મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ તથા દક્ષિણ સીમાએ મહારાષ્ટ્ર. ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા અનેક બોલીઓમાં વહેંચાયેલી છે. અને એની બધી સીમાઓએ પણ એ જુદીજુદી ભાષાઓ-બોલીઓ સાથે મળે છે, ભળે છે.

ગુજરાત રાજ્યમાં ઉત્તર ભાગમાં આવેલા કચ્છ પ્રદેશની જનભાષા કચ્છી છે. એ ગુજરાતીની નહીં પણ સિંધી ભાષાની શાખા છે; જોકે અત્યારે કચ્છમાં શિક્ષણ-સંસ્કારની અને રાજ્યની ભાષા તરીકે સ્વીકારાયેલી ગુજરાતી ઝડપથી કચ્છીને ખસેડી રહી છે. કચ્છની ઉત્તરે પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે ત્યાં જનભાષા સિંધી છે પણ રાજ્યભાષા ઉર્દૂ છે.

ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને (ઝાલોદ સુધીના) પંચમહાલ જિલ્લાઓની સરહદે રાજસ્થાન ફેલાયેલું છે. તેની રાજ્યભાષા હિંદી છે પણ એમાં મારવાડી-મેવાડી-જયપુરી વગેરે જનભાષાઓ બોલાય છે, જેમનું ગુજરાતી સાથે ઘણું મળતાપણું છે. બનાસકાંઠાની સરહદે, પાલનપુરની ઉત્તરે આબુ-સિરોહીના પ્રદેશની જનભાષા મારવાડી છે અને સાબરકાંઠાની સરહદે, ખેડબ્રહ્મા, ઇડર, ડુંગરપુરની ઉત્તર-પૂર્વ દિશામાં ઉદેપુર-ચિતોડના વિસ્તારની જનભાષા મેવાડી છે.

ઝાલોદથી શરૂ કરીને દાહોદ, છોટા ઉદેપુર થઈને રાજપીપળા સુધીની પંચમહાલ અને વડોદરા જિલ્લાઓની પૂર્વ સરહદે મધ્યપ્રદેશનું રાજ્ય છે. એની પણ રાજ્યભાષા હિંદી છે, પરંતુ આ સરહદે મધ્યપ્રદેશના ઉજ્જૈન આસપાસના વિસ્તારની જનભાષા માળવી છે અને તેની નીચેના પ્રદેશની નિમાડી છે, જેની સાથે પણ ગુજરાતીનો ઘણો જૂનો સંબંધ છે.

એ નોંધપાત્ર છે કે બનાસકાંઠાના છેક ઉત્તરી ભાગથી એટલે આબુ-સિરોહીના પ્રદેશથી ડુંગરપુર-વાંસવાડા થઈ રાજપીપળા સુધીની સમગ્ર સરહદે ભીલી બોલીઓના પ્રદેશો આવેલા છે. આ ભીલી બોલીઓ પણ ગુજરાતી સાથે ઘણું મળતાપણું ધરાવે છે.

રાજપીપળાથી શરૂ કરી ભરૂચ, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લાઓની સમગ્ર સરહદે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. તેની રાજ્યભાષા મરાઠી છે, પરંતુ સુરત જિલ્લા અને ડાંગ જિલ્લાની સરહદે મહારાષ્ટ્રમાં જનભાષા ખાનદેશી છે, જેની સાથે પણ ગુજરાતીને ઘણો નિકટનો સંબંધ છે. એનાથી નીચેના પ્રદેશમાં ગુજરાતી-મરાઠી એકબીજીની સાથે મળે છે. છેક દક્ષિણમાં અરબી સમુદ્રના કિનારાના પ્રદેશમાં ગુજરાતી મહારાષ્ટ્રની જનભાષા કોંકણી સાથે સંપર્કમાં આવે છે, જેની સાથે એ મરાઠી કરતાં વિશેષ મળતાપણું ધરાવે છે.

આ રીતે ગુજરાતીની પડોશભાષાઓનો આવો નકશો ઊભો થાય છે : ઉત્તરે કચ્છી અને સિંધી(માન્યભાષા ઉર્દૂ), ઉત્તર-પૂર્વમાં મારવાડી અને મેવાડી(માન્યભાષા હિંદી), પૂર્વમાં માળવી અને નિમાડી(માન્યભાષા હિંદી), દક્ષિણ-પૂર્વમાં ખાનદેશી અને દક્ષિણમાં મરાઠી અને કોંકણી.

(સૌજન્ય : ‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’માંથી, લે. જયંત કોઠારી, પૃષ્ઠ ક્રમાંક : 87)

 


લોકપ્રિય બ્લોગ્સ

સ્મરણ શેખાદમનું

સ્મરણ શેખાદમનુંઆગળ વાંચો

ટીનનો સૈનિક

ટીનનો સૈનિકઆગળ વાંચો