આ મનપાંચમના મેળામાં... | Gujarati

આ મનપાંચમના મેળામાં...

  • મેહુલ મંગુબહેન
  • 14 નવેમ્બર 2026
  • favroite

તહેવારનું મૂળ જોડાણ તો કૃષિ સાથે હતું. પછી વેપાર આવ્યો અને તેનું જોડાણ વેપાર સાથે પણ થયું અને મૂળ વિસરાતું અથવા બદલાતું ગયું. આવો જ એક ગુજરાતી તહેવાર એટલે આપણી લાભપાંચમ. ગુજરાતીઓ વેપારી કોમ એટલે ‘લાભ’ શબ્દનો સર્વમાન્ય અર્થ નફો ગણાય છે. લાભ ખાટવો, લાભ લઈ લેવો, લાલો લાભ વગર લોટે નહીં વગેરે રૂઢિપ્રયોગો અને કહેવતો આપણને મળી. ભગવદ્ ગોમંડલમાં ‘લાભ’ શબ્દનો એક અર્થ કંઈક આવો છે - માપણિયા માલનું ભરતર કરતાં પહેલાં ઉચ્ચારાતો શુકનનો શબ્દ; અનાજ વગેરેનું ભરાતું પહેલું માપ. છેને કમાલ? કાળક્રમે શુકનનો શબ્દ ખુદ શુકનનું ચોઘડિયું બની ગયો. ખેતરેથી મળેલ અનાજનું પહેલું માપ યાને કે પહેલી મુઠી અનાજ યાને લાભ. અને હવે લાભ યાને નકરો નફો-ફાયદો. ‘લાભ’ શબ્દનો એક અર્થ શબ્દકોશમાં જ્ઞાન છે પણ; ભાગ્યેજ કોઈ ગુજરાતીને એ અર્થની ખબર હશે. ખબર હોય તોપણ લાભ સાથે વેપાર અને વેપાર સાથે નફો-ફાયદો એ હદે વણાઈ ગયા છે કે એ શબ્દને એ અર્થમાં સમજી જ ન શકાય. કાર્તિક સુદ પાંચમ યાને કે લાભપાંચમને શબ્દકોશ ‘સૌભાગ્ય પંચમી’ પણ ગણે છે પણ એની આપણને ઝાઝી ખબર નથી. શબ્દકોશમાં એક શબ્દ છે લાભાંતરાય. જૈન ધર્મને આધારે એને દૂષણ ગણાવાયું છે. ભગવદ્ ગોમંડલ લાભાંતરાયનો અર્થ કંઈક આમ લખે છે - અઢાર માંહેનું એક દૂષણ; જેના ઉદયથી જીવ છતે જોગે પણ લાભ ન મેળવી શકે એવી એક અંતરાય કર્મની પ્રકૃતિ; છતી શક્તિએ લાભ ન અપાય એવા કર્મની પ્રકૃતિ. લાભ આધારિત અન્ય શબ્દોમાં લાભવાદ અને લાભવાદી પણ છે. બસ અહીંથી શરૂ થાય છે આખી અલગ સફર. ખેતરથી મળેલું પહેલું મુઠ્ઠી ધાન, શુકનનો શબ્દ, શુકનનું ચોઘડિયું અને પછી નફો-ફાયદો. આ નફાની લાલસા જેમ જેમ આગળ વધે એમ એમ ‘લાભ’ શબ્દ બદલાઈને લોભ બનતો જાય. લોભનો અર્થ તો સૌ જાણે જ છે. કંઈ પણ પામી લેવાની તીવ્ર લાલસા, લાલચ. માણસ ગમે તે હદે જઈ શકે. ચોરી કરી શકે, લૂંટ કરી શકે, શોષણ કરી શકે, હત્યા-અપહરણ-બળાત્કાર કરી શકે. જનસંહાર કરી શકે, યુદ્ધો છેડી શકે, ગેસ ચેમ્બરમાં લાખો લોકોને બાળી શકે. સર્વે અનૈતિક કામોને વાજબી ગણી શકે. પછી શું થાય? લોભપાંચમની લ્હાયમાં રમેશ પારખે કહેલો ‘મનપાંચમનો મેળો’ વિખરાઈ જાય. આજકાલ સઘળે આ જ થઈ રહ્યું છે. લાભની લ્હાયમાં પુલો તૂટે, હિમશીલાઓ પીગળી જાય, દાવાનળ થાય, નદી ફંટાઈ જાય, હોનારત પર હોનારતનું ચક્ર ચાલે. કારણ ફક્ત એટલું જ કે આપણે લાભપાંચમ તો યાદ રાખી પણ લાભ સાથે જોડાયેલ ‘શુભ’ શબ્દને દેશવટો આપી દીધો.  શુભ યાને સૌભાગ્ય, કલ્યાણ, મંગળ, શ્રેય. લાભ-શુભનું પોસ્ટર તો દર વર્ષે બારણે લાગે છે પણ હૈયામાં લાગતું નથી. મૂળ વાત એ હતી કે લાભ કલ્યાણકારી, શ્રેયકર, મંગળકારી હોવો જોઈએ પણ થઈ રહ્યું અવળું. રમેશ પારેખે મનપાંચમના મેળામાં લખ્યું હતું :

“અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.”

ઈરાન-ઈઝરાયલ-યુક્રેન સુધી લાંબા થઈએ કે ઘરઆંગણે રોજેરોજ જે થયું છે તે જોઈએ તો આપણી ઔકાત ‘બબ્બે પૈસા’ની જ રહી ગઈ છે. લાભવાદી દુનિયાને સતત શુભની ટકોર કરનાર સર્જકો-બૌદ્ધિકોની હાલત
“આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય, રમેશ”
જેવી થઈ રહી છે.

જસ્ટ ઇમેજિન, લાભપાંચમ મનપાંચમ બને અને શુભપાંચમમાં ફેરવાતી જાય તો કેવી મજા પડે!

સંબંધિત વિષયો

લોકપ્રિય બ્લોગ્સ

સ્મરણ શેખાદમનું

સ્મરણ શેખાદમનુંઆગળ વાંચો

ટીનનો સૈનિક

ટીનનો સૈનિકઆગળ વાંચો