bhajan - Bhajan | RekhtaGujarati

અમે નાવ રે ધકેલી ઊંડા નીરમાં હો...જી

સૂરજનાં કિરણો જેમ ભીતને ઉજાળે એવું જીવતર અજવાળતા ના આવડ્યું

પિંજરમાં સાત સાત રંગો પૂર્યાને તો ટહુકાને પાળતા ના આવડ્યું.

અમે ટીપાંમાં સમદર જોઈ વિરમ્યા હોજી...

અમે નાવ રે ધકેલી ઊંડા નીરમાં હો...જી...

અમને શોધ્યા રે અમે આયખું આખ્ખું જેમ દર્પણમાં ચલ્લી શોધે જાતને

અવસરની રાહે અમે ઝૂર્યા ઉજાગરાના તોરણથી શણગારી જાતને,

અમે કંચન ને ખોળિયા કથીરનાં હોજી રે...

અમે નાવ રે ધકેલી ઊંડા નીરમાં હોજી...જી...

સ્રોત

  • પુસ્તક : સાત અક્ષર (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : નિરંજન યાજ્ઞિક
  • પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન
  • વર્ષ : 1993