મરવા ટાણે હોય રાજા કે રંક રે
Marva tane hoy raja ke rank re
આશારામ
Aasharam
આશારામ
Aasharam
મરવા ટાણે, હોય રાજા કે ભલે રંક રે.
મરવા ટાણે, નિર્બલ હોય કે નિશંક રે.
મરવા ટાણે, ડહાપણ સઘળું રહે દૂર રે.
મરવા ટાણે, નકામાં નખરાં ને નૂર રે.
મરવા ટાણે, ગાત્રો બધાં ગભરાય રે.
મરવા ટાણે, શક્તિઓ સઘળી સમાય રે.
મરવા ટાણે, ગર્વ બધો ગળી જાય રે.
મરવા ટાણે, હુશિયારી સર્વ હરાય રે.
મરવા ટાણે, ધન-દોલત બધું ધૂળ રે.
મરવા ટાણે, કામ ન આવે ઊંચું કુળ રે.
મરવા ટાણે, જબરાનું નવ ચાલે જોર રે.
મરવા ટાણે, થઈ જાય અંધારું ઘોર રે.
મરવા ટાણે, ખબર કે નહીં સમાચાર રે.
મરવા ટાણે, ઓચિંતો આવે મોટો માર રે.
મરવા ટાણે, દાબ્યું દરદ ન દબાય રે.
મરવા ટાણે, એકે મળે ન ઉપાય રે.
મરવા ટાણે, પાપીજનો પસ્તાય રે.
મરવા ટાણે, ધર્મીની જય જય થાય રે.
મરવા ટાણે, સંત સંગત કરે સ્હાય રે.
મરવા ટાણે, ભક્તિથી દુઃખ દૂર થાય રે.
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 17)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
