He Raghuvar ji ! aa avasara ma rakhone lajja mari - Bhajan | RekhtaGujarati

હે રઘુવરજી ! આ અવસરમાં રાખોને લજ્જા મારી

He Raghuvar ji ! aa avasara ma rakhone lajja mari

આશારામ આશારામ
હે રઘુવરજી ! આ અવસરમાં રાખોને લજ્જા મારી
આશારામ

હે રઘુવરજી ! અવસરમાં રાખોને લજ્જા મારી;

મને મહેર કરી, સેવક જાણી રાખો પાસ તમારી.

મને રામભક્ત સૌ કો’ કહે છે, પણ કામ ક્રોધ મદ ભારે છે,

મને લોભ મોહ અતિ દુઃખ દે છે. હે રઘુવરજી૦

મને અશન વ્યાસન નિંદા નેડો, મારાં પાપ તણો ના આવે છેડો;

મમતા મત્સર તજે કેડો. હે રઘુવરજી૦

મને દશે દિશે ઇન્દ્રિયો તાણે, ચિત્ત-બુદ્ધિ રહે નહિ ઠેકાણે;

કેમ ઊગરું હું આવે ટાણે? હે રઘુવરજી૦

તમે દીનબંધુ રઘુકુલમણિ, રખે અવગુણ આણો ઉર ભણી;

ક્ષણ દૃષ્ટિ કરો રંક ભણી. હે રઘુવરજી૦

હું તો કૈંક કર્મનો કરનારો, નથી ઊગરવાનો એકે આરો;

‘આશારામ’ કહે ભવજલ તારો. હે રઘુવરજી૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963