Hari bhajavanu choghadiyu te - Bhajan | RekhtaGujarati

હરિ ભજવાનું ચોઘડિયું તે

Hari bhajavanu choghadiyu te

કલ્યાણદાસ કલ્યાણદાસ
હરિ ભજવાનું ચોઘડિયું તે
કલ્યાણદાસ

હરિ ભજવાનું ચોઘડિયું તે, ફરી ફરી ક્યાં મળશે રે;

ચોંપ કરીને ચેતી લેજે, ભવનાં તારણ તરશો રે. હરિ૦

મનુષા દેહ તો મટી જશે, ને પશુ પંખી અવતરશો રે;

વરણાગીમાં વાટ ઊઠશે, કેઈ ખાઈ રડવડશો રે. હરિ૦

મનુષા દેહ પામીને જે કોઈ, હરિ ભજે તે બળિયો રે;

માયાની મમતાને છાંડી, સુખ સન્માર્ગ કળિયો રે. હરિ૦

દુઃખ લાગે તે પહેલું લાગે, ઊંધે ઊંધું ચાલ્યું રે;

માને ઉદર શું બોલ્યો’તો, શું બોલ્યો શું પાળ્યું રે. હરિ૦

જોબન જાશે ને જરા આવશે, નેન નાસિકા ગળશે રે;

સગાં સ્નેહી સુખનાં બેલી, અંતે અળગાં રહેશે રે. હરિ૦

હરિ નામ તો હારી બેઠો, વિષયામાં વીંટાયો રે;

ધોળે દહાડે ધજા બંધાવી, ચૌટામાં લૂંટાયો રે. હરિ૦

અવસર તો રૂડે કહાવે, પાપ કરશો પ્રાણી રે;

‘કલ્યાણ’ કહે તે કહ્યું માને, પથરા ઉપર પાણી રે. હરિ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927