બૂડવાની વાતો રે, સંસારી તારી સાંભળી રે
Budvani vato re sansari tari sambhali re
કલ્યાણદાસ
Kalyandas
કલ્યાણદાસ
Kalyandas
બૂડવાની વાતો રે, સંસારી તારી સાંભળી રે, કે' છે અંજન વેદ પુરાણ;
મતના તે હીણા રે, મત કંઈ રાખની રે, એમ તું શું થઈ બેઠો અજાણ. બૂડવાની૦
પર ધન દેખી રે, ચિત્ત તારું ચળી ગયું રે, વળી મોહ્યું પરદારા-સું મન;
શેને અવતરિયો રે, આ સંસારમાં રે, વળી વળી વગોવાને આ તન. બૂડવાની૦
હરિજન કેરી રે, નિંદા તેં બહુ કરી રે, વળી બીજા કૂડાં ચઢાવ્યાં આળ;
ઝેર એવાં પીધાં રે, લે'ર તને ફરી વળી રે, એક ઘડી ભજ્યા નહિ ગોપાળ. બૂડવાની૦
હવે કાંઈ તરવાને રે, મારગ ઝાલની રે, હેતે ધર હરિનું ધ્યાન;
દિલે એવું જાણો રે, કંઈ સુખ પામીએ રે, હવે પ્રાણી ‘કલ્યાણ’ કહે તે માન. બૂડવાની૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
