Bhakti evi re bhai evi - Bhajan | RekhtaGujarati

ભક્તિ એવી રે ભાઈ એવી

Bhakti evi re bhai evi

કલ્યાણદાસ કલ્યાણદાસ
ભક્તિ એવી રે ભાઈ એવી
કલ્યાણદાસ

ભક્તિ એવી રે ભાઈ એવી, જેમ તરસ્યાં ને પાણી જેવી;

એક ગૌધન ચરવાને જાય, એની સુરતા વાછરડાં માંય;

ચરણે ફરવું ને ચિદિશ ચરવું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. ભક્તિ૦

એક યુવતી જળ ભરવાને જાય, સામી સખીઓથી વાતો થાય;

માથે બેડું ને લિયે તાળી, મુખે હસે છે વારી વારી;

બેડું ચિત્તથી નથી રે વિસરતું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. ભક્તિ૦

એક ભ્રમર કમળમાં રહે છે, તેને વાસના કેવી ગમે છે;

સાંજ પડી ને કમળ બીડાયું, અકળાયો ને ક્યાંય ના જવાયું;

એને કમળની પ્રીતે રે મરવું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. ભક્તિ૦

એક મૂઢ મતિ નર જેહ, પરનારીની સાથે સ્નેહ;

જાય છે અધમ અધમ ડગ ભરતે, પરનારીની પૂંઠે ફરતો;

એને શૂળીની પેર રે ડરવું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. વ્યક્તિ૦

એક માછલી જળમાં વસે છે, તેને પાણીનો પ્રવાહ ગમે છે,

કોઈ પાપીએ બારણે કાઢી, તલ તલ જીવ થયો રે ઉદાસી;

એને જળ વિનાનું રે મરવું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. ભક્તિ૦

એક ગુણિકા નૃત્ય કરે છે, મન ગમતા શણગાર સજે છે;

એણે આંખ આંજી અણિઆળો, નખ ચખ નિરખે છે નારી;

પારકું ચિત્ત પોતાનું કરવું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. ભક્તિ૦

એક ચોર તે ચોરી કરે છે, પર મંદિર ફેરા ફરે છે;

વળી માઝમ રાત અંધારી, મૂરખ ડરતો નથી રે લગારી;

પારકું ધન પોતાને રે હરવું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. ભક્તિ૦

બપૈયાને વર્ષાદ વહાલો, એવી પ્રેમ ભક્તિ તમે ઝાલો;

ચકોર ચિત્ત ચંદ્રમાં ઘાલે, અણ પેખતાં દૃષ્ટિને બાળે;

કહે ‘કલ્યાણ’ એથી ઉતરવું, એવું હરિ ચરણે ચિત્ત ધરવું. ભક્તિ૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927