
દિલ દરિયામાં એક દેવ નિરંજન, ચેતન ચાલ્યું મારે હરદે આવે રે,
પ્રેમ ભકિત કોઈ પૂરા નર પાવે, સાંભળ સદ્ગુરુ શું કહાવે રે... દિલ૦
અનહદ નાદ ગગનમાં ગાજે, નુરત સુરત કરી લે લાવે રે,
અણી અગર પર અધર દુલેચા, રમતા રામ મારી નજરે આવે રે... દિલ૦
અંતરમાં એક નિરંતર ન્યારા, હરદમ ગુરુ સે હેત લાવે રે,
પર આતમ જેણે પરગટ ચીન્યા, સમ દૃષ્ટિએ સોઈ સંત રે’વે રે... દિલ૦
જ્ઞાન ગરીબી જેણે સતગુરુ સેવ્યા, વેલા વૈકુંઠ સોઈ જાવે રે,
આવાગમન એને કબુવે ન લોપે, સહેજ સૂન મેં સમાવે રે... દિલ૦
શૂરા સાધુ સનમુખ રે’વે, કાયર ભાગી વન જાવે રે,
સતગુરુના જેણે શબ્દ ન માન્યા, ગાફલ ગોથાં બહુ ખાવે રે... દિલ૦
ખીમને ભાણ રવિ રમતા રામા, અરસ પરસ ગુરુ એક કાવે રે,
પાંચ તત્ત્વમાં પરગટ બોલે, આપે બોલેને બોલાવે રે... દિલ૦
આદિ હતા સે। અબ મેં પાયા, અબ મેરો મનવો કયાંઈ નહીં જાવે રે,
‘ત્રિકમદાસ’ સત્ત ખીમનાં ચરણાં, ઠીક કરીને ગુરુ ઠેરાવે રે... દિલ૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી