આ દશા સદગુરુ થકી આવે: ભલા રે આ દશા. ટેક.
ઘાંચીને બાંધીને ફેરવે ઘાણી, જલ અગ્નિ તપાવે, હાં રે હરિ જલo:
ધોબીને જલ વિણ ધોતિયું ધોવે, અન્ન મનુષ્ય ખાવે,
સોનારને સુવર્ણ તાવે : આ દશાo
દેખાય નિત્ય વદનમાંહ્ય દર્પણ, જનનીને પુત્ર ઝુલાવે, હાં કે હરિ જનo:
ગોવાળને ચારવા જાય ગોધો, સાપ ગરુડને ડરાવે,
ઉડૈ બાળકને ઉડાવે : આ દશાo
તંગ ભીડે અસવારને તોરી, ઢોલીને ઢોલ બજાવે, હાં રે હરિ ઢોલીo
પુસ્તક બેસી પુરાણીને વાંચે, ખેડૂતને બીજ વાવે,
બિંદુ માંહ્ય સિંધુ સમાવે : આ દશાo
સંપ કરી શ્વાન કાશીએ ચાલ્યાં, ચોપગને ચાર્ય ચાવે. હાં રે હરિ ચોપo:
સિંહ ડર્યો સસલાતણી શેહમાં, જનની સુતાને ધાવે,
પાપીમાંહ્ય ગંગા ન્હાવે : આ દશાo
આંખ સુણે ને દેખાય કર્ણે, વાયુને વૃક્ષ હલાવે, હાં રે હરિ વાયુo:
કાજીનૂં શીષ હલાલ કરે અજ, ધનુષને તીર ચલાવે,
કુંભારને ચાક ફિરાવે : આ દશાo
પંગુ ગરૂડ સમો પંથ કાપે, મેરુને કીડી ઉઠાવે, હાં રે હરિ મેરુo:
બોબડો વેદ ચારે ચટ બોલે, અભણ ભણ્યાને ભણાવે,
જીભ વિણ ગંધર્વ ગાવે : આ દશાo
અગ્નિને ટાઢ બારે માસ પીડે, ભૂખ્યાને લાંઘણ ભાવે, હાં રે હરિ ભૂખ્યાo:
ચિત્ર ઉઠીને ચિતારાને રંગે, થાળને દેવ ધરાવે,
ઋષિરાજ પત્થર હસાવે : આ દશાo
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931