aa same bhai jago he ji - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ સમે ભાઈ જાગો હે જી

aa same bhai jago he ji

કચરાજી મેઘ કચરાજી મેઘ
આ સમે ભાઈ જાગો હે જી
કચરાજી મેઘ

સમે ભાઈ જાગો હે જી જી જી... જાગે એને જગન ફળ હોય

હે જી જોડે ને સજોડે હવે જાગ્યા નર કોઈ સમે ભાઈ જાગો હે જી...

અરે, રાજા પ્રલાદ ભલે જાગ્યા હે જી જી જી

એની જોડે રતનાવળી હે નાર,

જુગ રે પેલામાં એણે પાવળ વરતાવી

સોના કેરે કળશે રે, એની સતીએ ઝીલ્યો નિજાર

એની પાટે થિયો છે પરકાશ, પાંચ રે કરોડે રાયવર ઊતર્યાં ભવપાર... સમે...૦

અરે, રાજા હરચંદ ભલે જાગ્યા રે જી જી જી

એની સાથે તારામતી હે નાર,

જુગ રે બીજામાં એણે પાવળ વરતાવી

રૂપા કેરે કળશે રે, એની સતીએ ઝીલ્યો નિજાર

એની પાટે થિયો છે પરકાશ, સાત રે કરોડે રાયવર ઊતર્યાં ભવપાર... સમે...૦

એજી રાજા યુધિષ્ઠિર ભલે જાગ્યા હે જી જી જી

એની સાથે દ્રુપતી છે નાર

જુગ રે ત્રીજામાં એણે પાવળ વરતાવી

ત્રાંબા કેરે કળશે રે, એની સતીએ ઝીલ્યો નિજાર

એની પાટે થિયો છે પરકાશ, નવ રે કરોડે રાયવર ઊતર્યાં ભવપાર... સમે૦

એજી રાજા બલિ ભલે જાગ્યા હે જી જી જી

એની હાર્યે વિંજાવળી છે નાર,

જુગ રે ચોથામાં એણે પાવળ વરતાવી

માટી કે કળશે રે, એની સતીએ ઝીલ્યો નિજાર

એની પાટે થિયો છે પરકાશ, બાર કરોડે રાયવર ઊતર્યાં ભવપાર... સમે...૦

કહે 'મેઘ કચરો' એવા નર થોડા સવરા મંડપમાં માલે સજોડા... સમે...૦

સ્રોત

  • પુસ્તક : સતની સરવાણી (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ - 380001
  • વર્ષ : 2000
  • આવૃત્તિ : 1