sahityni barmasi - Barmasi | RekhtaGujarati

સાહિત્યની બારમાસી

sahityni barmasi

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
સાહિત્યની બારમાસી
ઝવેરચંદ મેઘાણી

[રાસનો ઢાળ]

સખી! કારતકે કવિતાની ઝડીઓ રે,

જાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે,

કવિની પત્ની ફેંકી દેતી ખડીયો;

રઘુપતિ રામ રુદેમાં રે’જો રે.

સખી! માગશરે મોંઘા છે કાગળ રે,

પૈસા મળે પ્રકાશક આગળ રે,

તોયે ચલવ્યું છે ધાડેધાકડ. - રઘુપતિ રામ.

સખી! પોષે પસ્તીને તોલે રે,

મારાં પુસ્તકના ભાવ બોલે રે,

બુકસેલરો કાળજાં ઠોલે. - રઘુપતિ રામ.

સખી! માથે પોતા કેરાં પડઘમ રે,

ગજવીશું માસિક કાઢી ધમધમ રે,

જાણું જાહેરખબરોના મર્મ. - રઘુપતિ રામ.

સખી! ફાગણે ફાવટ ના’વી રે,

રૂપાન્તર કે ભાષાન્તરની ચાવી રે

તરજુમાની મોસમ આવી. - રઘુપતિ રામ.

સખી! ચૈતરે ચિત્ર કઢાવો રે,

જેની તેની કને દોડ્યા જાઓ રે,

ભલે એની તાણે રેખાઓ. - રઘુપતિ રામ.

સખી! દવ બળે વૈશાખી રે,

પાઠ્યપુસ્તકની રત પાકી રે,

યુનિવર્સિટી કૈંકની કાકી. - રઘુપતિ રામ.

સખી! જેઠે જનાબ બુખારી રે!

દેશો રેડિયો ઉપર વારી રે,

અર્થઘન છે કવિતાઓ મારી. - રઘુપતિ રામ.

સખી! આષાઢમાં અનુવાદો રે,

મૂવા શરદબાબુ, નથી વાંધો રે,

ભાષા-ભાવની ખીચડી રાંધો. - રઘુપતિ રામ.

સખી! શ્રાવણે બાળસાહિત્યે રે,

બાંડી બોબડી ભાષાની ભીંત્યે રે,

ફેંકો લોંદા ફાવે તેવી રીત્યે. - રઘુપતિ રામ.

સખી! ભાદરવે ભય ટળિયા રે,

એઠાજૂઠા અહીંતહીંથી મળિયા રે,

સોશ્યાલિસ્ટ સાહિત્યના ઠળિયા. - રઘુપતિ રામ.

સખી! આસોનાં લક્ષણ કાળાં રે,

આંટા ખાય ઉઘરાણીઓવાળા રે,

કાઢો એક નવી ગ્રંથમાળા. - રઘુપતિ રામ.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 309)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997