
(ગરબો-રાગ રત્નાના મહિનાનો)
શંકર નંદનને નમું શુદ્ધ બુદ્ધનો નિવાસ
કૃષ્ણકૃપાએ વર્ણવું, રચું દ્વાદશ માસ
પીડા લાગી રાધા શિરે અંગે અંગ અકળાય
વ્રેહ-પીડાથી દુખણી દુઃખ નહિ કહેવાય
સુણ સખી વ્રેહ દુઃખને....ટેક0
માર્ગશીર્ષે મથુરાં ભણી ગયા ગોકુળનાથ
સાથ થકી મૂક્યાં અમે ગમ્યો યાદવ સાથ
નાનાં મોટાં નીસરે નર કોટાનકોટ
જોડ વિખંડી માહરી દેઉં દૈવને ખોડ
સુણ ચંદ્રભાગા ચંદ્રાવળી મળી કરો વિચાર
ચાર પ્રહર રજની તણો કેમ પામીએ પાર
ચોપટ ખેલ ગમે નહિ ન ગમે જ્ઞાન ગોઠ
પૂઠ ન મૂકે પારધિ મારે ભારે શીર ચોટ પીડા0
(માલિની-વૃત્ત)
પ્રકટી મદન વ્યાધિ મો’હસ્યો બાણ સાંધી
હરિ હરિ કહે રાધા પ્રેમને પાશ બાંધી
વિરહ વિકળ રોતી ચીર-શું નીર લ્હો’તી
અરુણ નયન દીસે આશ જોતાં અરીસે
પૌષ વિષે કહે પ્રેમદા પતિ-શું શો રોષ
મલિનપણું મુખ આપણું દર્પણનો શો દોષ
ઉત્તર દિશ આવ્યો રવિ નર નારી વિલાસ
વાસ પૂર્યો મથુરાં વિષે ન આવ્યા અવિનાશ
દિવસ થયો અતિ દુબળો માહરું દુઃખ દેખી
શોક્ય સમાણી જામીની થઈ પ્રૌઢી પેખી
અરણ્ય થઈ મારી ઓરડી દોરડી થઈ દેહ
તે ક્યમ જીવે ગોરડી પતિ આપે છેહ પીડા0
(માલિની-વૃત્ત)
પરહરિ જ પટોળી પામરી પાન ચોળી
વિરહ-અગન વ્યાપી પીડતો કામ પાપી
લખિત વ્રહની ચીઠી નીસરે ત્યાં તલાટી
થઈ ગઈ નિશ કોટી પ્રાણ જાણે અંગીઠી
માઘ વિષે મહારે મુખે દુઃખ પડિયા દાઘ
રંગ અધરનો આવર્યો પ્રકટીઓ રે વ્યાધ
પાન લવંગ પલંગમાં સંભોગનો સાજ
આજ મારે શા કામનું ન આવ્યા વ્રજ-રાજ
યૌવન કુંજરસજ થઈ શુભ કુંભ આરોગ
માધવ વિના કોણ મારશે મન્મથની ફોજ
હંસે કપોળે બેશીરે’ નહિ પોષણહાર
નાશ થશે બંને તણો જીવાડો આવાર પીડા0
(માલિની-વૃત્ત)
સુરત સુખ વિશાળા સાંભળો બ્રીજ બાળા
સુકતિ કુસુમ-માળા શોક નિશ્વાસ-જ્વાળા
નિરખી નયન મીચે આંસુએ અંગ સીંચે
દુઃખ લખી સખી આવે બાંય સાહી બોલાવે
ફાગણે ફૂલી લચી લચી લૂમે દ્રાક્ષ
પાંખડિયે પક્ષી રમે ન ગમે હરિ પાખ
કેશુ કુસુમની પાંખડી તે તો વાંકડી પેર
જામે મન્મથ આંકડી વિરહી શું કેર
મધુકર ગુંજે કોકિલા ભર્યા આંબ અંકોર
સોહર કરે શુક સારિકા નહિ નંદકિશોર
અબીલ ગુલાલ ઉડે ઘણું વાજે ચંગ મૃદંગ
વિઠ્ઠલ પાખે વસંત શો દાઝે ઉલટું અંગ પીડા0
(માલિની-વૃત્ત)
કૃશ તનુ મન ભાગે હારનો ભાર લાગે
વિરહ વિકળ વીલી જે હરિપાશ શીલી
નિપટ મન ન હીસે આંસુડે અંગ સીંચે
શશિથકી છબી આંહે નેટ આરસી માંહે
ચૈત્ર વિષે ચંદ્રમા તણું ઘણું ટાહાડું તેજ
ઊંચી અગાશી ફૂલડે વાસી મારી સેજ
યૌવન ફૂલવાડી ફૂલી લચી લહેરે જાય
ભેટ કરું ભગવાનને થાય કૂપની છાંય
અંગ અનંગ વશી રહ્યો ઋતુનો દિન આજ
અવસર ચૂક્યો મેવલો વરષાનું શું કાજ
આંબે વળગી સખિ વેલડી સાહેલડી જોય
બેલડીએ નહિ નાથજી દુઃખ સાલે સોય પીડા0
(માલિની-વૃત્ત)
કઠિન દિન ન ખૂટે સ્વેદનાં બિંદુ છૂટે
પવન વ્યજન વીંજે વીંજે નેનથી તર્ત ભીંજે
સખી જન સુહાવે યોષિતા જાય આવે
કમળ-કુસુમ લાવે રાધિકાને ન ભાવે
વૈશાખે વનિતા કહે આવ્યો ગ્રીષ્મકાળ
અગ્નિ તણા ભડકા બળે તડકાની રે ઝાળ
મારે આંગણે રમી લો અલિ કારંજ ક્રીડ
અંત અગ્નિ શમે નહિ વિના શ્રી રણછોડ
આછાં અંબર ઓઢણે મુખવાસ કપૂર
કેસર-ભીણી કંચુકી પુરુષોત્તમ પડ્યા દૂર
પામી તજિયાં પગથિયાં દિસે છે રે ઘાટ
માંસ તજ્યું મારી પાંસળી વાંસળી પાખ પીડા0
(માલિની-વૃત્ત)
કનક-મુકુટ માથે મોરનું પિચ્છ સાથે
મધુરી મુરલી વાતો આવતો રંગ રાતો
નિપટ વિમળ વાગો શ્યામળે અંગ લાગ્યો
પરિ કર સખિ વહેલી તું મને મૂક ઘેલી
જેઠ માસે કહે જોષિડાં સૂક્યાં નદી નવાણ
દિન કઠિન કાઢ દોહલા ક્યમ રાખું રે પ્રાણ
શીદ ઘસે મલિયાગરું મરું માધવ પાખ
ચંદન ઘોળ્યું ગુલાબ-શું સહુ ઢોળી નાખ
ચોબારાં મારે માળિયાં આને શીતળ વાય
વાળા-તણા વિજણા ઘણા તોય તાપ ન જાય
અંબર વાદળ ઉલટ્યાં પ્રકટ્યો ઘનઘોર
રોહણમાં ગાજે હજી મારો નાથ કઠોર પીડા0
(માલિની-વૃત્ત)
અહરનિશ અંદોશો શે ન કા’વે સંદેશો
નિરખી નગર-નારી તે સુખે હું વિસારી
કવણ વ્રત કરી જે દૈવને દોષ દીજે
વણજ કરી ન ફાવી મૂળગી ખોટ આવી
અષાઢે ઘન ઉલટ્યો ગયો ગ્રીષ્મકાળ
આમ્ર રાયણ ઓગળે ફૂલી જાંબુની ડાળ
ઘોર ઘટા ઘન ગાજતો મધુરે સ્વર મોર
દાદુર બોલે કોકિલા લાગે કર્ણ કઠોર
માંડી વરસે મેવલો નાવલો પરદેશ
વેશ વગોવ્યો વિઠલે લટ લાંબા કેશ
પીતાંબર પગ પાવડી ગાવડિયો રે સાથ
આ દહાડે હરિ આવતાં લટુકી લઈ હાથ પીડા0
(માલિની-વૃત્ત)
મદન-શર મરોડી રાધિકા થાય થોડી
સકળ જુગત જોડી વિનવે વસ્ત્ર ઓઢી
સખી વચન સુહાવે કૃષ્ણને કોણ લાવે
મુજ મન સુખ થાવા નાથજીને મનાવા
પુરુષોત્તમ દિન પુણ્યનો ન મળ્યા અવિનાશ
આજ ભજું ગોવિંદને જેને વલ્લ્ભદાસ
લાડ કર્યા નરહરિ કને વૃંદાવન વિલાસ
મેઘની પેરે મુકુંદજી મુને અમર આશ
મોટમ આવી રે આવડી નાના તો નંદલાલ
ગોવર્ધન લક્ષ્મી-વરે કર તોળ્યો કાલ
સાંભળ સખિ આવ્યું હતું મારે કર રતન
એક વાર ફરી આવી ચઢે કરી રાખું જતન પીડા0
(માલિની-વૃત્ત)
મદન-કટક આવી ઉતર્યાં ઠામ ઠામ
રતિ-પતિ રણ ઝૂઝે પેર એકે ન સૂઝે
હરિ મધુપુર-ભૂપ કોટી કંદર્પ રૂપ
મુજ ભુવન પધારો કામે કોટી વારો
થ્રાવણ માસ સોહામણો ઘણું વર્ષો મેહ
નેહ ના રાખી નાથજી મુને દીધો છેહ
શ્યામ ઘટા મધ્ય ઊડતી બગલાની રે પાંખ
ઉપર મુક્તાસર શોભે કેશવની કાંત
હરિ તૃણચર હર્ષે ભર્યાં સુરભિ અભિરામ
શ્યામ વિના શોભે નહિ સારું ગોકુળ ગામ
હું તો ઝૂલું દોરી હીરની ઝાલી હિંદોળા માંય
ફરતાં ફરકે કૂમતાં ઝુમતાં મ સોય પીડા0
(માલિની-વૃત્ત)
સુણ ઘન મુજ વાણી વર્ષતાં રાખ પાણી
ક્ષણ ઇક થિર રેની કૃષ્ણની વાત કેની
મધુપુર-થકી આવ્યો શો સમાચાર લાવ્યો
મધુરી મુરલી મીઠો કૃષ્ણજી ક્યાંય દીઠો?
ભાદરવો ભર વર્ષતો ભર યૌવન કાળ
પ્રેમ-સરોવર પિયુ વિના કોણ બાંધે પાળ
તરુવર વનચર ભીજતાં ભીજે પંથી બ્હાર
ભીજે કસુંબની ચુંદડી આંખે આંસુ-ધાર
ઘોર ઘટા ઘન દામની દેખાડે રે વાટ
પીઠ-થકી જળ ઉતર્યાં નદી લોપે ઘાટ
હરિને ઓઢણ કામળી આમળિયાં રે વાળ
ઓ દિસે હરિ આવતા મારે ઘેર ગોપાળ પીડા0
(માલિની-વૃત્ત)
તન મન ધન મારો વીજળી વીર તારો
મધુપુર જઈ માણે પેર મારી ન જાણે
ક્ષણ એક સુખ દીધું તાહરી પેર કીધું
ચમક ચપળ બાઈ શીખવ્યા તેજ ભાઈ
અશ્વિન હરિ આવ્યા નહિ સહિયર શા માટ
ઘાટ થયો સરિતા સમો વસમી નહીં વાટ
નવરાત્રી ગરબે રમે ન ગમે મુને ખેદ
છેદ પડ્યા ગરબા જશા મારે મન વેધ
બાલિકા પૂજે કાળિકા શમી પૂજે લોક
વિઠ્ઠલ વિના વિજયા કશી મારે મન ફોક
સખી પૂનેમ ચંદ આનંદ શો વિના નંદ કુમાર
માણકઠારી જો માવજી મારે ઘર-બાર પીડા0
(માલિની-વૃત)
પલ ન પલક લાગી રાધિકા રાત જાગી
વિરહ-દુઃખ વિભાગી નારમાં વાત વાગી
ભવન ભવન ભોળી નીસરી નાર ટોળી
સજળ નયન પૂછે પ્રેમની વાત શું છે?
કાર્તિકે કહે કામની કયમ રાખુંજી ધીર
નીર નવાણે પાલટ્યાં ન મળ્યા યદુવીર
પાંચ દિવસ દીપાલિકા દીપે દીપક-હાર
હરિ વિણ મન હિસે નહિ ધરતાં શણગાર
ઊંચાં તે મંદિર માળિયાં જાળિયે રહી જોઉં
પંથ નિહાળું નાથનો ભરી લોચન લોઉં
શકુન કરે મારે આંગણે ઊડી બેઠો કાગ
એની ચંચ મઢાવું કંચને પરવાળીએ પાગ પીડા0
(માલિની-વૃત્ત)
એવી વિલપે રાધિકા જાણ્યું જાદવ-નંદ
આનંદ પામી અંગથી આવ્યા ગોકુળ-ચંદ
વૈષ્ણવ લોક વિરાજતા દર્શાવતી વાસ
મધસુત રત્નેશ્વરે રચ્યા દ્વાદશ માસ પીડા0
(માલિની-વૃત્ત)
હરિ મધુપુર આવે નાર મોતી વધાવે
રસબસ થઈ રાધિ ભાંજતી ભોગ-વ્યાધિ
ઘર ઘર થકી ગોપી નીસરી લાજ લોપી
નખશિખજ નિહાળે આરતીને ઉતારે.



સ્રોત
- પુસ્તક : કૃષ્ણચરિત્રમૂલક બારમાસીઓ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : બળવંત જાની