mahina - Barmasi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મહિના

mahina

રત્નો રત્નો
મહિના
રત્નો

કારતક રસની કુંપળી, નયણાંમાં ઝળકાય;

અંગ સમારે રાધિકા, મનમથ રહ્યો શોભાય.

કારતકે કંથ મેલી ગયા, સાંભળ સૈયર વાત;

ગોકુળની રે ગોવાલણી, ઘસવા લાગી રે હાથ.

વાયદા ઉપર વધતા ગયા, દિવસ ગણતાં રે માસ;

અમો રે વિશ્વાસે વળગી રહ્યાં, મોહન મળવાની આશ.

સગાં રે સહોદર છે ઘણાં, નાથ વિના રે શી નાર;

બળ રે કરી નવ બોલિયે, મસ્તક નહિ રે મોરાર.

અમો રે મળતાં શું મથી ગયાં, બાકી રાખ્યું કાંય;

કહેવા સરખું રહ્યું નહી, જાણે જાદવરાય.

પૂર્વની પ્રીત સંભારિયે, જાણી પોતાની દાસ;

રત્નાના સ્વામી રે શામળા, પૂરો અબળાની આશ.

ઓધવજી રે સંદેશડો, કહેજો મથુરા મોઝાર,

જેરે દહાડાના ગયા નાથજી, ઝૂરે વ્રજની નાર. ઓધવજી રે૦

માગશર મન મેગળ થયો, ઉપર નહીં ભરથાર;

મધુપુરમાં વાસો વસ્યો, અંકુશને દેનાર.

માગશર મહિનો આવિયો, નાવ્યા નંદકુમાર;

સંભારતાં સાંસો પડે, આંખે આંસુની ધાર.

આશા ઉંમેદે અવતર્યા, અબળાનો અવતાર;

કહોને અમે કેમ કીજિયે, મેલી ગયા રે મોરાર.

પ્રથમ તો મધુકર મોકલ્યો, વ્હાલે કાવ્યો છે જોગ;

આપણ અબળાને ઘટે, જો જો કરમના ભોગ.

ઘરમાં તે હળવી હું પડી, બાહાર નવ રે બોલાય;

કૂવા તે કેરી છાંયડી, કૂવામાં રે સમાય.

મળતાં મોટમ નવ રાખિયે, આવો શ્રી ભગવાન;

રત્નાના સ્વામી રે શામળા, દોને દરશન દાન. ઓધવજી રે૦

પોષે તો પરવશ પડી, વ્રેહ વ્યાપ્યો અતિ અંગ;

ઓસડ-ગુણ લાગ્યો નહીં, ડશિયો શ્યામ-ભુજંગ

પોષે તે પહેલા પૂરમાં, જોબન બાળે રે વેશ;

પૂરણ પાપ તેનાં મળ્યાં, જેનો પિયુ પરદેશ.

આછી પટોળી રે ઓઢવા, શિયાળાની રે ટાઢ;

પાંચ પહોરની રાતડી, વ્હાલે કીધી છે રાઢ.

સાંજ સજોગે સૌ મળ્યાં, જુવે વાલાની વાટ;

વિસાર્યા કેમ વિસરે, ઊભા જમુનાને ઘાટ,

ઘણુ રે ગાઢું કરી રાખિયે, હૈડું નવ રહે હાથ;

પ્રીત કરી કેમ પરહર્યા, નાવ્યા નગણા રે નાથ.

બળતી બોલું છું હું હવે, રખે રાખતા રીશ;

રત્નાના સ્વામી રે શામળા પાયે નમું છું શીશ. ઓધવજી રે૦

મહા મહિને મન માહરું, આકુળ વ્યાકુળ થાય;

રુવે વિજોગણ રાધિકા, એકે સૂઝે ઉપાય.

હજી હરિ શેં નવ આવિયા, આવ્યો મક્કર માસ;

ભાગ્ય વિના કેમ પામિયે, વ્હાલાજીનો વિલાસ?

કુબજા સરખી કામિની, આવી હરિને રે હાથ;

આપ કાળા ને કૂબડી, ભલી ભજિ છે રે ભાત.

સરખા સરખી રે સાહેલડી, જમુના નહાવારે જાય;

પૂજીને માગે રે પ્રેમદા, મળજો જાદવરાય.

એક દુઃખે અમો દાઝિયે, બીજું કૂબજાનું શૂળ;

નિર્ગુણ જોગ વળી લખે, દાઝ્યા ઉપર લૂણ.

દયા રે દામોદર દિલ ધરી, ભેટો શ્રી ભગવાન;

રત્નાના સ્વામી રે શામળા, કયારે મળશો રે કહાન. ઓધવજી રે૦

ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ;

હૃદે ફૂલી રાધિકા, ભમર કનૈયોલાલ.

સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ;

અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.

વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ;

કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.

અબિલ ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ;

કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.

તરૂવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસુડાં વન,

અમો અબળાને ઘટ્યું, મરવું મુંઝાઈ મન

વેરી વિધાતાએ લખ્યો, વ્હાલાતણો રે વિજોગ;

રત્નાના સ્વામી રે શામળા, આવી કરો કે સંજોગ. ઓધવજી રે૦

ચૈત્રે ચતુરા સંચરી, ઊભી જમુનાને તીર;

પંથ ન્યાળતી પ્રેમદા, રડતાં ભીંજે ચીર.

ચૈતર માસનો ચાંદલો, રૂડી નિર્મળ રાત;

સ્વપનામાં સ્વામી રમી ગયા, હદે થઈ રળિયાત.

જાગીને જોતાં દિસે નહીં, ફાળ પડી છે પેટ:

બોલાવ્યા બોલે નહીં, નાશી પેઠા રે નેટ.

કોમળ કર ધરી દીવડો, ચતુરા ન્યાળે ચોપાસ;

ખોળતાં ખૂટી રે રાતડી, મળ્યા શ્રી અવિનાશ.

પાછલી રાત પરોઢિયું, ઊઠી પ્રાતઃકાળ;

જોશીડા જોશ સંભાળજે, શું આળપંપાળ.

સુખ સ્વપનાનું સાંભરે, ભીતર ભડકા રે થાય;

રત્નાના સ્વામી રે શામળા, આવી મળે તો ઓલાય. ઓધવજી રે૦

વૈશાખ આવ્યો રે સખી, વહી ગયા ખટમાસ;

હજી સંદેશો નાવિયો, કાગળની શી આશ.

વૈશાખે વાયા રે વાયરા, પાક્યાં દાડમ દ્રાખ;

પાકી તે રાયણ આંબલી, ગળી આંબાની સાખ.

લુકનાં લેહેરાં લાગે ઘણાં, બહાર નવ નિસરાય;

ધરતી તખે ને રવી તપે, કોમળ મુખ કરમાંય.

ફૂલડાંની સેજ સારિયે, બેહેકે ચંપો ને જાય;

વ્હાલાજી કેરે વીંઝણે, કેને ઢોળું રે વાય.

માંગ સમારૂં રે મોતીએ, સેંથે ભરૂં રે સિંદૂર;

નાથજી લ્હાવો લીજિયે, જોબન જાય ભરપૂર.

ગ્રીષ્મ ઋતુ અતિ દોહેલી, વ્હાલા વિચારો મન;

રત્નાના સ્વામી રે શામળા, સોંપ્યું તન, મન, ધન. ઓધવજી રે૦

જેઠે જોડી સોગઠી, પાસા લીધા હાથ;

જાણ્યું પડશે પાધરા, અવળા પડિયા, નાથ!

જેઠ લગી જોઈ વાટડી, કોઈ આવે ને જાય;

કાગળ કટકો મળ્યો નહીં, લખવા જાદવરાય.

મરવું તે મુખથી કેમ કહું, મરણ હરિને રે હાથ;

પ્રીતમગત મૃત્યુ થઈ રહી, જાણે વૈકુંઠનાથ.

સગપણ સાચું સૌ કહે, પ્રીત પીતળ ફોક;

રે ઉખાણો સાચો મળ્યો, ભલા હસાવ્યા લોક.

દોષ અમારાં અદ્રષ્ટનો, વાલાજીનો શો વાંક;

સુખદુઃખ સરજ્યું દેહને, મારી વિધાતાએ ટાંક.

ચતુર થઈ નવ ચૂકિયે જાણો અબળાનો ધર્મ;

રત્નાના સ્વામી રે શામળા, વળતી બેસશે કર્મ. ઓધવજી રે૦

અશાડ આવ્યો હે સખી, કેમ કરિ કાઢું દન;

નાથ નમેરા થઈ રહ્યા, હદે પડ્યાં રે રતન.

અસાડો રે ઘન ઊલટ્યો, માગ્યા વરસે રે મેહ;

વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.

મોરના શોર સોહામણા, દાદુર બોલે રે જોર;

કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.

રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝબકે રે મન;

દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.

લીલાં ચરણાં અવનીએ ધર્યાં, તરુવર ગેરગંભીર;

પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.

જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;

રત્નાનો સ્વામી રે શામળા, આવો જગના જીવન. ઓધવજી રે૦

શ્રાવણ માસે સજ થઈ, દરપણ ન્યાળે અંગ;

તતક્ષણ તે ધરણી ઢળી, જાણે ડશ્યો ભુજંગ.

શ્રાવણ માસ સોહામણો હિંડોળાના રે દંન;

હિંચે તે ગોરી રાધિકા, ઘણું પીડે અનંગ.

સખિ રે સાહેલી સૌ મળી, જમુના નાવા રે જાય;

કેસરી તિલક સોહામણાં, કોમળ રંગ્યા રે પાય.

ગૌરી પૂજે સાહેલડી, કરમાં પુષ્પની માળ;

બીજા રે કરમાં કકાવટી, મુખે શ્રીગોપાળ.

ચાર પહોર જાગરણ કરે, ગૌરી ગરબા રે ગાય;

રાત થોડી ને રમત ઘણી, રખે વહાણું રે વાય.

શ્રાવણે પાક્યો આંબલો, કોને કરીએ ભેટ;

રત્નાના સ્વામી રે શામળા, આડો જમુનાનો બેટ. ઓધવજી રે૦

ભાદરવે ભવન પંચમે, ખળકે હિંદોળાખાટ;

પુષ્પને પંખે પદ્મણી, જુવે વ્હાલાની વાટ.

ભાદરવો ભરપૂરમાં, ભલું જણાયે જોર;

ગગન વિશે કરે કાટકા, નાવ્યા નંદકિશોર

ઉત્તરદેશથી ઉલટ્યો, થયો ઘોર અંધાર;

વીજલડી ચમકાર કરે, નાવ્યા નંદકિશોર.

પંચ રંગના આભમાં, મોટા તાણ્યા રે મચ્છ;

ચંપક વરણી રે રાધિકા, ચીર ભીંજાયે સ્વચ્છ.

નદીએ નીર ભર્યાં ઘણાં, નવ દીસે ઉતાર;

વેરણ જમુના પૂરે ચઢી, પિયુડો પેલે રે પાર.

બાળ્ય બધું સુખ દેહનું, જેનો નાથ નઠોર;

રત્નાના સ્વામી રે શ્યામળા, બળતી બોલું છું જોર. ઓધવજી રે૦

આસોએ આશા હતી, મળવાની મનમાંય;

ઓધવજી ભલે આવિયા, વીરા થાઓ વિદાય.

દુઃખના રે દહાડા વહી ગયા, આવ્યો આસો રે માસ;

સૌ કો સપરમે દહાડલે, વસે પોતાને વાસ.

નવ રે દહાડા ગયાં નોરતાં, નાવ્યા દશરા રે માંય;

મોટો ઓછવ દીવાળીનો, આવી કરજો ઈહાંય,

સખી સાહેલી સૌ મળી, હરિને લેવાને જાય;

આણે મારગ હાર આવશે, ઉલટ અંગ માય,

ધનતેરસે ધન ધોઈને, સજ્યા સોળ શણગાર;

નયણે તે કાજળ સારિયાં, મળવા નંદકુમાર.

કોમળ કરમાં રે દીવડો, હઈડે હરખ અપાર;

હરિને નિહાળવા નીસરી, ઊભી આંગણાં બહાર.

મનના મનોરથ વહી ગયા, એક સિધ્યું નહીં કાજ;

રત્નાના સ્વામી રે શામળા, દોહેલું કીધું છે રાજ. ઓધવજી રે૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981