રત્નો
Ratno
અસાડ આવ્યો હે સખી, કેમ કરિ કાઢું દન;
નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડ્યાં રે રતન.
અસાડો રે ઘન ઊલટ્યો, માગ્યા વરસે રે મેહ;
વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.
મોરના શોર સોહામણા, દાદુર બોલે રે જોર;
કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.
રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝબકે રે મન;
દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.
લીલાં ચરણાં અવનીએ ધર્યાં, તરુવર ગેરગંભીર;
પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.
જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;
રત્નાનો સ્વામી રે શામળા, આવો જગના જીવન. ઓધવજી રે૦
●
શ્રાવણ માસે સજ થઈ, દરપણ ન્યાળે અંગ;
તતક્ષણ તે ધરણી ઢળી, જાણે ડસ્યો ભુજંગ.
શ્રાવણ માસ સોહામણો હિંડોળાના રે દંન;
હિંચે તે ગોરી રાધિકા, ઘણું પીડે અનંગ.
સખિ રે સાહેલી સૌ મળી, જમુના જમુના નાવા રે જાય;
કેસરી તિલક સોહમણાં, કોમળ રંગ્યા રે પાય.
ગૌરી પૂજે સાહેલડી, કરમાં પુષ્પની માળ;
બીજા રે કરમાં કંકાવટી, મુખે શ્રીગોપાળ.
ચાર પહોર જાગરણ કરે, ગૌરી ગરબા રે ગાય;
રાત થોડી ને રમત ઘણી, રખે વહાણું રે વાય.
શ્રાવણે પાક્યો આંબલો, કોને કરીએ ભેટ;
રત્નાના સ્વામી રે શામળા, આડો જમુનાનો બેટ. ઓધવજી રે૦
●
ભાદરવે ભવન પંચમે, ખળકે હિંદોળાખાટ;
ચડે પુષ્પને પંખે પદ્મણી, જુવે વ્હાલાની વાટ.
ભાદરવો ભરપૂરમાં, ભલું જણાયે જોર,
ગગન વિશે કરે કાટકા, નાવ્યા નંદકિશોર.
ઉત્તરદેશથી ઉલટ્યો, થયો ઘોર અંધાર;
વીજલડી ચમકાર કરે, નાવ્યા નંદકિશોર.
પંચ રંગના આભમાં, મોટા તાણ્યા રે મચ્છ;
ચંપક વરણી રે રાધિકા, ચીર ભીંજાયે સ્વચ્છ.
નદીએ નીર ભર્યાં ઘણાં, નવ દીસે ઉતાર;
વેરણ જમુના પૂરે ચઢી, પિયુડો પેલે રે પાર.
બાળ્ય બધું સુખ દેહનું, જેનો નાથ નઠોર;
રત્નાના સ્વામી રે શ્યામળા, બળતી બોલું છું જોર. ઓધવજી, રે૦
●
આસોએ આશા હતી, મળવાની મનમાંય;
ઓધવજી ભલે આવિયા, વીરા થાઓ વિદાય.
દુ:ખના રે દહાડા વહી ગયા, આવ્યો આસો રે માસ;
સૌ કો સપરમે દહાડલે, વસે પોતાને વાસ.
નવ રે દહાડા ગયાં નોરતાં, નાવ્યા દશરા રે માંય;
મોટો ઓછવ દીવાળીનો, આવી કરજો ઇહાંય,
સખી સાહેલી સૌ મળી, હરિને લેવાને જાય;
આણે મારગ હરિ આવશે, ઉલટ અંગ ન માય,
ધનતેરસે ધન ધોઈને, સજ્યા સોળ શણગાર;
નયણે તે કાજળ સારિયાં, મળવા નંદકુમાર.
કોમળ કરમાં રે દીવડો, હઈડે હરખ અપાર;
હરિને નિહાળવા નીસરી, ઊભી આંગણાં બહાર.
મનના મનોરથ વહી ગયા, એકે સિધ્યું નહીં કાજ;
રત્નાના સ્વામી રે શામળા, દોહેલું કીધું છે રાજ. ઓધવજી રે૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
