kalakhyanmanthi ansh ha kaDawun – 10 - Akhyan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 10

kalakhyanmanthi ansh ha kaDawun – 10

ચિનુ મોદી ચિનુ મોદી
કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 10
ચિનુ મોદી

ગજગામિની, કુચકામિની; મનમોહિની, મૃદુભાષિણી;

સ્વરકિન્નરી; વળી, નર્તકી, યૌવનભરેલી ભામિની;

શ્યામકજ્જલ જળસભર, વાદળ વિશે જ્યમ દામિની

શચિસંમુખે ટોળે વળી, કટિ પાતળી, મૃદુલોચની;

કર્ણમૂલ રક્તિમ બને છે, ધસમસંતા રક્તથી,

વાયુસ્પર્શે કેળ કેળ કંપે, એમ રોષે કંપતી

સખીવૃંદની સેના લઈ, શચિ ઘોષણા કહે યુદ્ધની,

કહેઃ રૂઢ, દૃઢ, અન્યાય સામે, આપણે સાથે મળી

કાળનાં સૌ સુખ ત્યજી, ઉદ્યુક્ત બનીએ આજથી.

રંભા, મેનકા વળી ઉર્વશી

કહે સૌ અપ્સરા વતી;

‘આપ કહો તે તે કરશું

અમને વૈભવની એષણા નથી.

અમે રહીશું આપના સાથે

ડાબે - જમણે હાથે.

શચિ કહે કૈં દેવભૂમિમાં પાપ હવે ના હું કરનાર

મારે ભાગ્યે કેમ લખાતો, એક ભવે ચોથો ભરથાર?

તમે સખી સૌ મારી એથી બધાં ઇન્દ્રને સેવો

મારે કારણ નૃત્ય કરીને રીઝવો નિત્ય દેવો.

નહિ ગૌરીના, શિવ બદલવા, નહિ કમળાના વિષ્ણુ

બ્રહ્માણીના બ્રહ્મા એક જ, મને ગણી, શું સહિષ્ણુ?’

નાસિકાનાં ફણાં ફૂલ્યાં ને ભ્રમર પણછ શી તંગ

કાજળને બદલે કલવાયો, નેણે રક્તિમ રંગ.

અરધપરધ ઉઘડી બિડાતા અધર ઓષ્ઠથી વાણી;

અડાબીડ ઊગેલા વનમાં, આગ થઈ ફેલાણી.

ટોળે વળેલી સર્વ અપ્સરા ઇન્દ્રાણીને જોતી

સ્વયં વિષ્ણુ ત્યાં પ્રગટ થયા તે નમી નમી પગ ધોતી.

સૂતેલાં ઇન્દ્રાણી તે

ક્ષણમાં બેઠાં થયાં;

પ્રભુચરણમાં શિર નમાવી

હાથ જોડવા ગયાં;

‘હાં’ ‘હાં’ કહેતા પ્રભુ કહે કે ‘અમે આપની પ્રજા

સ્વર્ગભૂમિ પર કાયમ ફરકે, એક આપની ધજા

કાળદેવની કૃપા કેટલી, શરીર ના સંતાપે

સદા સર્વદા સ્વર્ગલોકનું પટરાણીપદ આપે'

વિષ્ણુની વાણી સરવાણી

સર્ સર્ કરતી સરે,

ઇન્દ્રાણી મક્કમ મન રાખી

સામે પૂરે તરે

વલણ

સામે પૂરે તરે ભામિની, ના સાંભળતી લેશ

કહે પ્રભુને નિશ્ચલ સ્વરમાં: ‘શો આપો આદેશ?’

સ્રોત

  • પુસ્તક : કાલાખ્યાન (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2002