jasoda no vilaap - Akhyan | RekhtaGujarati

જસોદાનો વિલાપ

jasoda no vilaap

પ્રેમાનંદ પ્રેમાનંદ
જસોદાનો વિલાપ
પ્રેમાનંદ

મારું માણકડું રિસાયું રે શામળિયા

તારા મનમાં શું આવ્યું રે શામળિયા;

હું અપરાધણ માતાને મૂકી શા માટે ઝંપાવ્યું રે

શામળિયા મા…

કાલિંદીનું કાળું પાણી, માંહે વસે કાળો કાળી;

હવે આશા તે શી મળવાની, કેમ આવે વનમાળી રે

શામળિયા મા…

સંતાનરૂપી મોટું ધન તે, કરમે લીધું લૂંટી;

મેં નવ જાણ્યું જતન કરીને, રતન પડ્યું કેમ છૂટી રે

શામળિયા મા…

પુત્ર પામી હું છેલ્લે આશ્રમે, ઉછેર્યો પ્રતિપાળી;

નીપનો રસ ઢળી ગયો, હું વિજોગઆગે બાળી રે

શામળિયા મા…

નાકે મોતી પાયે ઘૂઘરી, મોર મુગટ શિર ધારી;

ફરી રૂપ હું ક્યાંથી દેખું, હરિ આવે ગૌ ચારી રે

શામળિયા મા…

કાને કુંડળ મુખમાં મોરલી, સાંજે ગોકુળ આવે;

ભૂખ્યો છૌં કહી પેટ દેખાડે, મા કહી મુને બોલાવે રે

શામળિયા મા..

પીત પિછોડી કાછ કછે, મુજ કને નેતરું માગે;

હું ઘરડી માને થાકી જાણી, કોણ વલોવવા લાગે રે

શામળિયા મા…

તું પ્રાણેશ્વર તું ગોપેશ્વર, ગોપી દેહ કેમ ધરશે;

બાળસખાની કોણ વલે, ગાયો હીસીહીસી મરશે રે

શામળિયા મા…

ઊંડા જળમાં વાસો કીધો, પાણીમાં કેમ ગમશે;

મોર પોપટ પૂતળી તારે, રમકડે કોણ રમશે રે

શામળિયા મા…

કાંઈ તું ગયો ને હું જીવું છું, ઓછા સગપણ માટે;

સાચું વહાલ તો તાંહાં જણાએ, સાંભળતાં હૈડું ફાટે રે

શામળિયા મા…

કાષ્ટપે પાષાણ કઠણ છે, તેપેં કઠણ છે લોઢું;

વજ્રતુલ્ય છે કાળજ મારું, લોકોને શું દેખાડું મોઢું રે

શામળિયા મા…

તેં મખાંતર દડાનું કીધું, મનમાં દુઃખ કાંઈ આવ્યું;

ઊખળનું બંધન આજ સાંભર્યું, તે માટે ઝંપાવ્યું રે

શામળિયા મા…

નંદ જશોદા ગાય ગોવાળા, વ્યાકુળ વ્રજની નારી;

ચાર ઘડી પૂંઠે સર્વે પડજો, હળધર રાખે વાળી રે

શામળિયા મા…

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ