
૧.
છેલ કૂદંતો છેક, એક કહે એ તો ધોરી;
શિંગ નથી તે શીશ, કહે ત્યારે તો તોરી.
પીઠે નથી પલાણ, ત્યારે તો મેડક માણે;
નથી રહેતો તે નીર, જરૂર કોઈ સસલો જાણે.
પણ સસલાને પગ ચાર છે, પગ વિણ આ તો પરવરે;
સામળ કહે અર્થ સહેલ છે, રૂડા જન રુદયે ધરે.
– ચાંચડ
૨.
અચરત સરખું એક, સાંભળ્યું છે સૌ કરણે;
જતા દીઠા જશવંત, તોલથી જન તો ત્રણ્ણે.
ખટ પગ ને ખટ હાથ, નેત્ર બે દૈવત દેખે;
બે ચરણે ચાલંત, લલિત લક્ષણથી લેખે.
તે કાનને નામે નામ છે, સતવાદી શોભિત સદા;
કવિ સામળ કહે શોધી જુઓ, કૂડ કથન ન કહું કદા.
– કાવડવાળો શ્રવણ
૩.
ભાત ભાતના રંગ, લીલો પીળો કે રાતો;
લોહ લકડ વૃક્ષ વેલ, રાવ રંક દુર્બળ માતો.
કનક કથીર મણિરત્ન, મેર મોટમ તુછ તરણાં;
જીવજંતુ પશુ પક્ષી, સિંહ નર હસ્તી હરણાં.
વળી જડ ચૈતન નર નારીઓ, લાયક જન લેખી લિયો;
સામળ કહે ચેતો ચતુર નર, એક રંગ સૌનો કિયો.
– પડછાયો
૪.
ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું;
સુંદર રૂપ સ્વરૂપ, અધિક અમૃતથી મીંઠું.
કાયા ઉપર હાડ, હાડપર વાળ ભણીજે;
વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણીજે.
ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી;
વળી મુખમાંથી અમૃત ઝરે, સામળ કહે કહો કથી.
– કેરી
૫.
પુણ્ય સુપાત્ર પવિત્ર, કુલ એવાની કન્યા;
કીધો પિતાનો કાળ, એહ પણ મોટો અન્યા.
વરી વડાઉવા સાથ, જાત રૂડો તે જાણી;
કાંઈ ન ચડ્યું કલંક, વડા લોકોએ વખાણી.
કહો કવણ નાર પિતા કવણ, કવણ વડાઉને વરી;
વળી કવણ કુળ પેદા થઈ, સામળ કહે તે સુંદરી.
– છાશ
૬.
સરસ સરોવર એક, ભર્યું છે નિર્મળ નીરે;
પીએ નહિ કોઈ પંથી, હંસ નવ બેસે તીરે.
તે સર સમીપ જાય, બૂડે જન જોતાં ઝાઝા;
દુઃખ ન પામે દેહ, રહે તરતીબે તાજા.
કવિ સામળ કહે છે કારમું, હોંશીજનને હિત હશે;
સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.
– દર્પણ



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 74)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : 002 (ત્રીજું પુનર્મુદ્રણ)