પ્રતિબિંબ પર ગઝલો
પ્રતિકૃતિ કે પ્રતિછાયા.
પ્રકાશના કિરણ અમુક પદાર્થની લીસી સપાટી પર અથડાઈને પાછા વળે ત્યારે એના પરિઘમાં આવતા પદાર્થનું અદ્દલ સ્વરૂપ ઝીલે છે. એ ઝીલાયેલ સ્વરૂપ એટલે પ્રતિબિંબ. સાહિત્યમાં ‘ઝીલાયેલ અદ્દલ સ્વરૂપ’ના અર્થમાં ‘પ્રતિબિંબ’ શબ્દનો વિશેષણ તરીકે ઉપયોગ થાય છે. સાહિત્યના અભ્યાસ લેખ, વિવેચન અને રસદર્શનમાં પણ, ‘પ્રતિબિંબ’ શબ્દ છૂટથી વપરાય છે. દાખલા તરીકે, ‘ભારતીય ટૂંકી વાર્તા’ નામના પુસ્તકમાં ભોળાભાઈ પટેલ નોંધે છે : “... ફ્રોઈડના મનોવિજ્ઞાને માણસની ‘ઈમેજ’ બદલી નાખી. કામ–સેકસ વિષેની ભ્રમણાઓ તોડી. આ બધુ સાહિત્યમાં પ્રતિબિંબિત થવા લાગ્યું...” અને કવિતામાં : પાણીમાં પ્રતિબિંબ નિહાળી, મૂછ મહીં મલકાય છે સૂરજ (અમૃત ‘ઘાયલ’) ** કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે (મનોજ ખંડેરિયા) ** ‘...મેં પવનના સુસવાટાને કા૨ણે બારીનો કાચ બંધ કર્યો. સહજ જ મારી નજ૨ એમાં પડતાં પ્રતિબિંબ ત૨ફ ગઈ. મેં જોયું તો એમાં કોઈ વિચિત્ર જ માણસ મને દેખાયો. એની એક આંખની જગ્યાએ માત્ર કાણું હતું. એનો નીચેનો હોઠ લબડી પડ્યો હતો. એના મોઢામાંથી લાળ જેવું કશુંક ટપકતું હતું. મેં મારી બન્ને આંખો તપાસી લીધી. એ તો એને ઠેકાણે જ હતી. હોઠ પર હાથ ફેરવ્યો તો ત્યાં કશી ભીનાશ નહોતી. એકદમ હું ભયથી ધ્રૂજી ઊઠ્યો. તો આ ચહેરો કોનો? કોઈ કાચની બીજી બાજુથી મને જોઈ રહ્યું હશે? કે પછી આ બધી મારા મનની જ ભ્રાન્તિ!...’ (અગતિગમન (વાર્તા) / સુરેશ જોષી