Mane Thatu - Sonnet | RekhtaGujarati

મને થતું

Mane Thatu

જયન્ત પાઠક જયન્ત પાઠક
મને થતું
જયન્ત પાઠક

રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક!

નહીં નયન વીજની ચમક, ના છટા ચાલમાં,

ગુલાબ નહીં ગાલમાં; નીરખી રોજ રોજે થતું :

કલા વિરૂપ સર્જને શીદ રહ્યો વિધિ વેડફી!

અને નીરખું રોજ મોહક સુરેખ નારીકૃતિ:

પડ્યે નયનવીજ જેની ઉરઅદ્રિ ચૂરેચૂરા

ઢળે થઇ, અને વિરૂપ જડ નારીનો હું પતિ

અતુષ્ટ, દઈ દોષ ભાગ્યબલને વહંતો ધુરા.

વહ્યા દિન, અને બની જનની શિશુ એકની

ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિણ્ડને;

અને લઘુક પિણ્ડ-જીવનથી ઊભરાતું શિશુ

થતું ઘૂંટણભેર, છાતી મહીં આવી છુપાય ને.

હસે નયન માતને નીરખી નેહની છાલક;

તને અગર ચાહવા બની શકાય જો બાલક!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000